ફેડના ચૅરમૅને ઇન્ટરેસ્ટ રેટનો વધારો ધીમો પાડવાનો કોઈ સંકેત ન આપતાં સોના-ચાંદી વધુ ઘટ્યાં

0
167

ફેડના ચૅરમૅને ઇન્ટરેસ્ટ રેટનો વધારો ધીમો પાડવાનો કોઈ સંકેત ન આપતાં સોના-ચાંદી વધુ ઘટ્યાં
ઇન્ફ્લેશનને કાબૂમાં લેવાના લક્ષ્યને પ્રાધાન્ય આપવાની ફેડ ચૅરમૅનની કમેન્ટથી ડૉલર-બૉન્ડ યીલ્ડ વધ્યાં

ફેડે સળંગ ચોથી વખત ઇન્ટરેસ્ટ રેટ ૭૫ બેસિસ પૉઇન્ટ વધાર્યા બાદ આ વધારો ધીમો પાડવાનો ધારણા પ્રમાણેનો કોઈ સંકેત ન આપતાં સોના-ચાંદી વધુ ઘટ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૭૧૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૫૭૮ રૂપિયા ઘટ્યાં હતાં.

વિદેશી પ્રવાહ

ફેડરલ રિઝર્વ ચૅરમૅન જેરોમ પૉવેલે ઇન્ટરેસ્ટ રેટમાં ૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને હજી પણ ઇન્ટરેસ્ટ રેટ વધારો આ ગતિએ આગળ વધી શકે એવો સંકેત આપતાં અમેરિકન ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ નવેસરથી વધતાં સોનું છેલ્લાં બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ફેડ ચૅરમૅનની શરૂઆતની કમેન્ટને સમજવામાં માર્કેટ નિષ્ફળ જતાં સોનાના ભાવ શરૂઆતમાં વધ્યા હતા, પણ ત્યાર બાદ ઘટ્યા હતા. ગુરુવારે સોનું એક તબક્કે વધીને ૧૬૩૯.૮૦ ડૉલર થયા બાદ ઘટીને ૧૬૧૬.૧૦ ડૉલર થયું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ફેડરલ રિઝર્વે અપેક્ષાકૃત ઇન્ટરેસ્ટમાં ૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૭૫થી ચાર ટકાએ પહોંચાડ્યા હતા. ફેડરલ રિઝર્વે આ સતત છઠ્ઠો ઇન્ટરેસ્ટ રેટ વધારો કર્યો હતો. માર્ચમાં ૨૫ બેસિસ પૉઇન્ટ, મે મહિનામાં ૫૦ બેસિસ પૉઇન્ટ અને ત્યાર બાદ સતત ચાર વખત જૂન, ઑગસ્ટ, સપ્ટેમ્બર અને નવેમ્બરમાં ૭૫-૭૫ બેસિસ પૉઇન્ટ વધાર્યા હતા. આમ કુલ ૩.૭૫ ટકા ઇન્ટરેસ્ટ રેટ સળંગ છ વખતમાં વધાર્યા હતા. હાલ અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ ૧૪ વર્ષની ઊંચાઈએ છે. ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે મીટિંગ બાદની પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે અગાઉની ધારણા કરતાં ઇન્ટરેસ્ટ રેટમાં વધુ વધારો કરાયો છે. ફેડનું લક્ષ્ય ઇન્ફ્લેશનને બે ટકાના ટાર્ગેટ સુધી લાવવાનું છે, પણ મૉનિટરી પૉલિસીથી ઇકૉનૉમિક ઍક્ટિવિટીને અસર થશે તો ફેડને ઇન્ટરેસ્ટ રેટમાં વધુ વધારો કરવા પહેલાં વિચાર કરવો પડશે.

અમેરિકન ફેડરલ રિઝર્વે ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટેરસ્ટ રેટમાં વધારો કર્યા બાદ એની રાહે અનેક દેશોએ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો, જેમાં મુખ્યત્વે યુનાઇટેડ આરબ એમિરેટ્સ, હૉન્ગકૉન્ગ, સાઉદી અરેબિયા, બાહરિન અને મકાઉ તમામ દેશોની સેન્ટ્રલ બૅન્કોએ ફેડની જેમ જ ૭૫ બેસિસ પૉઇન્ટનો ઇન્ટરેસ્ટ રેટ વધારો કર્યો હતો. આ પાંચેય દેશો છેલ્લા છ મહિનાથી ફેડના ઇન્ટરેસ્ટ રેટ વધારાના નિર્ણયની ગણતરીની કલાકોમાં જ ઇન્ટરેસ્ટ રેટ વધારી રહી છે.

અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા ધારણાથી બુલિશ રહ્યા હતા. પ્રાઇવેટ સેક્ટરમાં ઑક્ટોબરમાં ૨.૩૯ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જેની ધારણા ૧.૯૫ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. સપ્ટેમ્બરમાં ૨.૦૮ અને ઑગસ્ટમાં ૧.૮૫ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. આમ, સતત ત્રીજે મહિને પ્રાઇવેટ સેક્ટરમાં નવી નોકરીઓ ઉમેરાવાની સંખ્યા વધી હતી. ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં હૉસ્પિટલિટી અને ટ્રાન્સપોર્ટેશન ઍક્ટિવિટીમાં નોકરીઓની તકો ખૂલી હતી, જ્યારે ઇન્ફર્મેશન, ફાઇનૅન્શિયલ ઍક્ટિવિટી અને એજ્યુકેશન-હેલ્થ સેક્ટરમાં નોકરીઓની તકો ઘટી હતી.

ચીનની ગવર્નમેન્ટ ઑથોરિટીએ સ્પષ્ટતા કરી હતી કે કોવિડ ઝીરો પૉલિસી યથાવત્ રહેશે, જે અંતર્ગત માસ ટેસ્ટિંગ અને માસ લૉકડાઉન લાદવામાં આવશે. સોશ્યલ મીડિયામાં એવી વાત વાઇરલ થઈ હતી કે ચાઇનીઝ ઑથોરિટીએ ઝીરો કોવિડ પૉલિસીમાં છૂટછાટ મૂકવાનો નિર્ણય લીધો છે. આવી વાતનું ગવર્નમેન્ટ ઑથોરિટીએ ખંડન કરતાં એશિયન સ્ટૉક માર્કેટમાં ગુરુવારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલની કમેન્ટની પણ એશિયન શૅરબજારો પર અસર જોવા મળી હતી. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટ્યા બાદ સર્વિસ સેક્ટરના ગ્રોથમાં ઘટાડો જોવા મળ્યો હતો. પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑક્ટોબરમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૪૮.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે સપ્ટેમ્બરમાં ૪૯.૩ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત બીજે મહિને ઘટ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ બન્ને સેક્ટરના નેગેટિવ ગ્રોથને કારણે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઑક્ટોબરમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૪૮.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૪૮.૫ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ બન્ને સેક્ટરમાં ફૉરેન ઑર્ડર્સ સતત ઘટી રહ્યા છે, પણ ગવર્નમેન્ટના પ્રયત્નોથી સાત મહિના પછી પ્રથમ વખત પ્રાઇવેટ સેક્ટરમાં એમ્પ્લૉયમેન્ટ વધ્યું હતું.

ઑસ્ટ્રેલિયાની એક્સપોર્ટ સપ્ટેમ્બરમાં સાત ટકા વધીને અત્યાર સુધીની સેકન્ડ હાઇએસ્ટ લેવલે ૬૦.૬૧ અબજ ઑસ્ટ્રેલિયન ડૉલરે પહોંચી હતી, જ્યારે ઇમ્પોર્ટ ૦.૪ ટકા વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૪૮.૧૭ અબજ ડૉલરે પહોંચી હતી. એક્સપોર્ટમાં સતત વધારાને કારણે ઑસ્ટ્રેલિયાની ટ્રેડ સરપ્લસ ત્રણ મહિનાની ઊંચાઈએ ૧૨.૪૪ અબજ ડૉલરે પહોંચી હતી, જે ઑગસ્ટમાં ૮.૬૬ અબજ ડૉલર હતી. ૨૦૨૨ના પ્રથમ નવ મહિનામાં ઑસ્ટ્રેલિયાની ટ્રેડ સરપ્લસ ૧૦૨.૦૮ અબજ ઑસ્ટ્રેલિયન ડૉલરે પહોંચી હતી, જે ૨૦૨૧ના પ્રથમ નવ મહિનામાં ૯૧.૯૫ અબજ ડૉલર હતી.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ફેડરલ રિઝર્વે ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ ડિસેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટશે એવો સ્પષ્ટ સંકેત ધારણા પ્રમાણે આપ્યો નહોતો, પણ સળંગ છ વખત ઇન્ટરેસ્ટ રેટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૧૪ વર્ષની ઊંચાઈએ પહોંચાડ્યા બાદ હવે ડિસેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે ફેડને ઇકૉનૉમિક ડેટાનો બારીકાઈથી અભ્યાસ કરવો પડશે એ નિશ્ચિત છે. અમેરિકાની જૉબમાર્કેટનું પર્ફોર્મન્સ અત્યાર સુધી સારું છે, પણ ઑક્ટોબર મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા શુક્રવારે જાહેર થશે. ઑક્ટોબર મહિનામાં ૨.૪૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની ધારણા છે, જે સપ્ટેમ્બરમાં ૨.૬૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. યુરોપિયન યુનિયન, બ્રિટન અને અન્ય દેશોના ઇકૉનૉમિક ડેટા પણ મહત્ત્વના રહેશે. અમેરિકાના જૉબડેટા, મૅન્યુફૅક્ચરિંગ-સર્વિસ સેક્ટરના ડેટા અને ગ્રોથરેટના ડેટા ફેડની ૧૨-૧૩ ડિસેમ્બરની મીટિંગ પહેલાં જો ધારણા કરતાં નબળા આવશે તો ફેડને ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની ફરજ પડશે, પણ જો ડેટા મજબૂત આવ્યા તો ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિ જાળવી રાખવાનો સપોર્ટ મળશે, જે સોનાને વધુ ઘટાડશે એવો અંદાજ બાંધવામાં આવ્યો છે.