ભારતના કેમિકલ ઉદ્યોગના આદ્ય પ્રવર્તક એવા ગુજરાતી શ્રી ત્રિભુવનદાસ ગજ્જર!

0
164
T_K_Gajjar-ગુજરાત-રશાયણ-ઉદ્યોગ-ગુજરાત-ઇન્ડસ્ટ્રીયલ -ટાઈમ્સ
T_K_Gajjar-ગુજરાત-રશાયણ-ઉદ્યોગ-ગુજરાત-ઇન્ડસ્ટ્રીયલ -ટાઈમ્સ

      ભારતના કેમિકલ ઉદ્યોગના આદ્ય પ્રવર્તક એવા ગુજરાતી શ્રી ત્રિભુવનદાસ ગજ્જર

ગુજરાતના કેળવણીકાર, સુપ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી, ઉચ્ચ કોટિના શિક્ષક તથા ભારતીય રસાયણ-ઉદ્યોગના આદ્ય પ્રવર્તક!

T_K_Gajjar-ગુજરાત-રશાયણ-ઉદ્યોગ-ગુજરાત-ઇન્ડસ્ટ્રીયલ -ટાઈમ્સ
T_K_Gajjar-ગુજરાત-રશાયણ-ઉદ્યોગ-ગુજરાત-ઇન્ડસ્ટ્રીયલ -ટાઈમ્સ

શ્રી ત્રિભુવનદાસ ગજ્જર ૧૮૬૩માં સુરતમાં જન્મ્યા. ગુજરાતના કેળવણીકાર, સુપ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી, ઉચ્ચ કોટિના શિક્ષક તથા ભારતીય રસાયણ-ઉદ્યોગના આદ્ય પ્રવર્તક! સૂરતમાં વૈશ્ય સુથાર જ્ઞાતિના અગ્રેસર ગણાતા કુટુંબમાં તેમનો જન્મ થયેલો. માતા ફૂલકોરબહેન. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે બી.એ. તથા એમ.એ. થયા બાદ તેઓ થોડો સમય કરાંચીમાં તથા ત્યાર બાદ વડોદરાની કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. વડોદરામાં તેમણે છાપકામ તથા રંગાટીકામની પ્રયોગશાળા શરૂ કરી. રંગવિદ્યા અંગે ‘રંગરહસ્ય’ નામનું ત્રિમાસિક શરૂ કર્યું હતું.

વડોદરાના રાજવી શ્રીમંત સયાજીરાવે ગજ્જરની સલાહથી 1890માં કલાભવનની સ્થાપના કરી. ત્યાં ગજ્જર આચાર્યપદે નિમાયા. છ વર્ષ સુધી કલાભવનમાં રહીને તેમણે ગુજરાતી ભાષામાં વિજ્ઞાનને લગતું સાહિત્ય ‘જ્ઞાનમંજૂષા’ અને ‘લઘુમંજૂષા’ શ્રેણીમાં તૈયાર કરવા માંડ્યું. આ કાર્ય માટે મહારાજાએ તેમને રૂ. 50,000નું અનુદાન પણ આપેલું. કલાભવનને ઔદ્યોગિક યુનિવર્સિટીમાં ફેરવવાની તેમની મહેચ્છા બર ન આવતાં વડોદરા છોડી તે 1896માં મુંબઈની વિલ્સન કૉલેજમાં રસાયણવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે જોડાયા. દરમિયાન મુંબઈમાં મરકી ફાટી નીકળતાં તેમણે આયોડિન ટરક્લોરાઇડ નામની ઔષધિ શોધી કાઢી. આ દવાના હક માટેની પરદેશી કંપનીઓની મોટી રકમની ઑફરો તેમણે નકારી કાઢી અને આ ઔષધનું રહસ્ય આમજનતા માટે ખુલ્લું કર્યું. 1900માં મુંબઈમાં ગિરગામ ખાતે એક ટૅક્નિકલ પ્રયોગશાળા સ્થાપી, જે ભારતની રાષ્ટ્રીય પ્રયોગશાળાઓની પુરોગામી ગણાય. જૂનાં નિસ્તેજ થઈ ગયેલાં મોતીને પુન: ચકચકિત કરવા માટેની રાસાયણિક પ્રક્રિયા પણ તેમણે શોધી કાઢી. આ શોધ દ્વારા તેઓ ઘણું કમાયા અને આ બધી કમાણી તેમણે રસાયણવિજ્ઞાનના પ્રચારમાં ખર્ચી. હસ્તાક્ષર-નિષ્ણાત તરીકે મેળવેલી આવક ત્રિભુવનદાસ પ્રયોગશાળાને ખીલવવામાં વાપરતા.  પિતા કલ્યાણદાસ ગજ્જર જબરા શિલ્પી. કાષ્ઠ અને પથ્થર બંને પર એ બારીક કોતરકામ, ઘડતર કરી શકે. કામ કરે ત્યારે નાનકડા દીકરાને ય બેસાડે. નક્શીકામમાં ધીરજ, એકાગ્રતા અને ચીવટ જોઈએ. ભણતા દીકરામાં આ આવ્યું. પ્રાથમિક શાળામાં અને હાઈસ્કૂલમાં ત્રિભુવન ક્યારેય પ્રથમ નંબર અને ઈનામ ના ગુમાવે. સુરતમાંથી મેટ્રિકમાં સારા માર્ક્સ લાવીને તે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં જોડાયા. કોલેજમાં થયેલા તેમના મિત્રો પછીનાં વર્ષોમાં ખૂબ જાણીતા થયા હતા. કાયદાવિદ્દ ચીમનલાલ સેતલવાડ અને સાહિત્યકાર કેશવ હર્ષદ ધ્રુવ તેમાં હતા. ૧૮૮૨માં તેઓ ૭૫ ટકા સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે બીએસ.સી. થયા. કોલેજે તેમને ફેલો બનાવ્યા. તેઓ રસાયણશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન શીખવતા અને સાથે સાથે એમએસ.સી. કરતા હતા. ભણતી વખતે એમણે ‘હિંદની ગરીબાઈ’નું દાદાભાઈ નવરોજીએ લખેલું પુસ્તક વાંચ્યું. હિંદની ગરીબાઈ તેમને ખટકી અને તે નિવારવા કોઈ નક્કર કામ કરવાનું વિચારતા થયા.

Elphinstone-College-Mumbai

Elphinstone-College-Mumbai

૧૮૮૪માં તેઓ પ્રથમ વર્ગ સાથે એમએસ.સી. થયા. તેમની ઝળહળતી શૈક્ષણિક પ્રતિભા અને પ્રતિષ્ઠાને કારણે સામે ચાલીને તેમને બે જગ્યાએથી નોકરીની ઓફર મળી. સિંધમાં કરાચીની કોલેજ તેમને માસિક ૩૦૦ રૂપિયા પગાર આપવાની હતી તો વડોદરાના મહારાજા તેમને ૨૦૦ રૂપિયાનો પગાર આપવા તૈયાર હતા. જે જમાનામાં ૧૮થી ૨૦ રૂપિયે તોલો સોનું મળતું ત્યારની આ વાત.
ત્રિભુવનદાસને હિંદની ગરીબી દૂર કરવામાં ભાષણોને બદલે હુન્નરઉદ્યોગ એ જ સાચો રસ્તો છે એમ દેખાતું હતું. મહારાજની પ્રતિષ્ઠા હુન્નરપ્રેમીની હોવાથી તેમણે ઓછો પગાર હોવા છતાં વડોદરામાં નોકરી સ્વીકારી.
ત્રિભુવનદાસની વિદ્યા અને ધગશથી સયાજીરાવ મહારાજા રાજી થયા. ખેતીવાડીના અભ્યાસ માટે ઈંગ્લેન્ડ મોકલવા તૈયારી બતાવી પણ ત્રિભુવનદાસને માત્ર વિજ્ઞાન અને હુન્નરમાં રસ હોવાથી તેમણે વિવેકપૂર્વક આમંત્રણ ન સ્વીકાર્યું. સયાજીરાવે આ પછી તેમને રંગાટીકામ અને છાપકામના વિકાસની જવાબદારી સોંપી. ત્રિભુવનદાસે આ માટેની પ્રયોગશાળા શરૂ કરી. કપડાં રંગવા રંગરેજ અને ભાવસારને રાખ્યા. જર્મનીમાંની મોટી ફેક્ટરીઓ સાથે સંબંધ બાંધ્યા. જાણકારી મેળવી અને તે પ્રકારની તાલીમ આપવાનું શરૂ કર્યું. સયાજીરાવે કલાભુવન શરૂ કરીને તેની જવાબદારી પણ ત્રિભુવનદાસને સોંપી. ત્રિભુવનદાસની રાત-દિવસની મહેનત, જ્ઞાન અને ચીવટથી કલાભુવન વિક્સ્યું. અહીં ભાતભાતના અભ્યાસક્રમ શરૂ કર્યા. સુથારીકામ, લુહારીકામ, ચિત્રકામ, મકાનનું બાંધકામ, વણાટકામ, રંગકામ શીખવાનું. રંગ અને રસાયણશાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન અપાતું.

ભારતના કેમિકલ ઉદ્યોગના આદ્ય પ્રવર્તક એવા ગુજરાતી શ્રી ત્રિભુવનદાસ ગજ્જર!

kalabhavan-vadodara.j

ત્રિભુવનદાસ હુન્નર ઉદ્યોગ કરી શકાય એવા શિક્ષણને મનથી ચાહતા હતા. ગરીબી નિવારણનો એ જ એકમાત્ર રસ્તો છે એવું માનતા. તે ગરીબ વિદ્યાર્થીઓને પોતાને ઘરે રાખતા, આર્થિક મદદ કરતા અને જમાડતા. આને કારણે તેઓ ખૂબ લોકપ્રિય થયા. અદેખા અમલદારોને ત્રિભુવનદાસ ના ગમતા. તેમણે તેમના કામમાં થાય તેટલી દખલ કરવા માંડી. સ્વમાની ત્રિભુવનદાસ આથી કંટાળ્યા, થાક્યા અને રાજીનામું આપીને મુંબઈ ગયા.
મુંબઈની વિલ્સન કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર બન્યા. તેમની શીખવવાની પદ્ધતિ અને જ્ઞાનથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ખુશ થયા. પ્રોફેસર ગજ્જરની નામની વધી. તે જમાનામાં રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર બંને ભેગાં હતાં. તેમણે બંને અલગ કરવા ખૂબ મહેનત કરી. બંને અલગ થતાં રસાયણશાસ્ત્રનો વિકાસ થયો.
મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો. માણસો મોટા પ્રમાણમાં મરવા લાગ્યાં. તે જમાનામાં પ્લેગની કોઈ દવા ન હતી. પ્રોફેસર ગજ્જરે પ્લેગની દવા શોધી એનું નામ આયોડીન ટર્કોલાઈડ. આ દવા અક્સીર નીવડી અને તેનાથી લાખો માણસોનો જીવ બચ્યો. ડોક્ટરોએ દવા વખાણી. કેટલાકે પેટન્ટ લઈ લેવા માટે પ્રોફેસર ગજ્જરને કહ્યું કે જેથી બીજા કોઈ એ દવા બનાવીને કમાઈ ન લે. પ્રોફેસર ગજ્જર માનવતાવાદી હતા. પૈસાના લોભી ન હતા. એમને પૈસા કરતાં માણસો વધારે વહાલા હતા. એમણે દવાની પેટન્ટ ના લીધી.
મું                         બઈમાં મહારાણી વિક્ટોરિયાનું પૂતળું હતું. કોઈકે આ પૂતળાંને કાળું કર્યું. પૂતળાને ઘસીને રંગ કાઢવાનો પ્રયત્ન થાય તો પૂતળાંને નુકસાન થાય. રંગ કાઢવો શી રીતે? કોઈ આ માટે તૈયાર ના થયું. પ્રોફેસર ગજ્જરે પોતાના રસાયણવિદ્યાના જ્ઞાનના ઉપયોગથી એ કાળાશ કાઢી અને પોતે પ્રતિષ્ઠાથી ઊજળા થયા. લોકોએ, સરકારે અને છાપાંએ તેમને વખાણ્યાં.
પ્રોફેસર ગજ્જરે ટેકનો-કેમિકલ લેબોરેટરી સ્થાપી. ત્યાં વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રયોગ થતા. આમાં કામ કરીને દેશને ઉપયોગી થાય તેવા કેટલાક વૈજ્ઞાનિકો મળ્યા. આ પ્રયોગશાળામાંથી પ્રોફેસર ગજ્જર તે જમાનામાં લાખો રૂપિયા કમાયા. ભારતના જાણીતા વૈજ્ઞાનિક સર પ્રફુલ્લચંદ્ર પ્રોફેસર ગજ્જરનાં સંશોધનોથી પ્રસન્ન થયા હતા. ગુજરાત આજે દેશભરમાં ઔષધ ઉત્પાદન ક્ષેત્રે મોખરે છે. તેનો યશ પ્રોફેસર ગજ્જરને ઘટે છે. ગુજરાતમાં ઔષધ ઉત્પાદનની પ્રથમ ફેક્ટરી તે વડોદરામાં એલેમ્બિક. તેની સ્થાપનામાં ભાઈલાલભાઈ અમીન સાથે કોટિ ભાસ્કર હતા. આ કોટિ ભાસ્કર પ્રોફેસર ગજ્જરના વિદ્યાર્થી હતા.
જાણીતા સમાજવાદી અશોક મહેતાના પિતા અને જે રણજીતરામ ચંદ્રકથી ગુજરાતી સાહિત્યકારોને નવાજાય છે તે રણજીતરામ વાવાભાઈ મહેતાએ પ્રોફેસર ગજ્જરના અંગત મંત્રી તરીકે કામ કર્યું હતું. આ રણજીતરામ મહેતાને લોકકલ્યાણ માટે કલ્યાણગ્રામ બનાવવાની યોજના કરવાની જવાબદારી તેમણે સોંપી હતી. આ યોજના દ્વારા સ્વાવલંબનથી ગરીબી દૂર કરવાનો હેતુ હતો. કૌટુંબિક વિખવાદોમાં યોજના અટવાઈ જતાં અમલી ન બની.
તેમના પરમ મિત્ર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી કોટિ ભાસ્કરનું અવસાન થયું અને તે જ અરસામાં પત્નીનું પણ અવસાન થયું. આનો ત્રિભોવનદાસ ગજ્જરને જબરો આઘાત લાગ્યો. હતાશામાં વ્યવસાય પર ધ્યાન ના રહ્યું અને આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ. તેમણે પોતાની સંપત્તિ નેશનલ મેડિકલ કોલેજને ભેટ આપી અને ૧૯૨૦માં તેમનું અવસાન થયું.
ઉત્તમ આદર્શો અને માનવ કલ્યાણનાં સપનાં ધરાવતાં પ્રોફેસર ગજ્જર માનતા કે, ‘હું વિજ્ઞાન ભણ્યો પણ વ્યવહારમાં એ જ્ઞાન મને ઉપયોગી ના થાય તો એવા જ્ઞાનનો શું અર્થ? વિજ્ઞાનને હું જાણું એટલું જ બસ નથી. એનો ઉપયોગ માનવતાના હિતમાં કરવો જોઈએ.’
મહાત્મા ગાંધીએ પ્રોફેસર ગજ્જરને કહ્યું હતું, ‘આપના કોઈ કાર્ય નિષ્ફળ ગયાં નથી. આપનું કાર્ય સંગીન છે અને સમગ્ર ગુજરાતનું જીવન ઘડવામાં એનો ફાળો છે.’ આવા પ્રોફેસર ગજ્જર ગુજરાતના વિકાસના પાયાના પથ્થર હતા.