લઘુ ઉદ્યોગની માઠી દશા વિષે મનોમંથન થયું!

0
291

કોરોનાને લીધે નાના અને મધ્યમ ઉદ્યોગોને ભારે માઠી અસર થઇ છે. અસંખ્ય મજૂરો વતન જઇને નવી રોજગારી શોધી લેતા ઉદ્યોગોમાં લોકોની અછત વર્તાય છે. વૈશ્વિક સ્તરે કાચા માલના ભાવમાં બેફામ વધારો અને લોજીસ્ટીકની સમસ્યાને લીધે ઉદ્યોગો ભારે મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. એવા સમયે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસએમઇ એસોસીએશન દ્વારા 30 એપ્રિલે બપોરે 4 વાગ્યે વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના હોલમાં અમદાવાદ ખાતે ચિંતન બેઠક રાખવામાં આવી હતી જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

સંગઠનના પ્રમુખ કે.ટી. પટેલે જમાવ્યું હતું  કે, સરકાર વિદેશી રોકાણને આકર્ષીને મેક ઇન ઇન્ડિયાની જાહેરાત કરી રહી છે પરંતુ અત્યારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં આપણે ઘણા પાછળ છીએ. વિદેશી રોકાણ ઇચ્છનીય છે પરંતુ સ્થાનિક નાના ઉદ્યોગોને ભારે સમસ્યા થઇ રહી છે તેના પર પણ સરકારે ધ્યાન આપવાની આવશ્યકતા છે. ઘરેલુ ઉદ્યોગોને અત્યારે બિઝનેસની પ્રક્રિયાનો ભારે બોજ છે. એ ઉપરાંત કમ્પલાયન્સમાં મુશ્કેલી, કાચા માલની ઉપલબ્ધિ, બજાર માગ, સારાં કારીગરોની અછત અને માર્કેટીંગ જેવા પાસાઓ સાથે પણ કામ કરવું પડે છે. એમાં ઉદ્યોગો નવી કોઇ શોધ સંશોધન કરી શકતા નથી. લઘુ ઉદ્યોગોમાં પાછલા બે ત્રણ વર્ષના બદલાવને લીધે અનેક સમસયાઓ શરૂ થઇ છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસએમઇ એસોસીએશનમાં 900 કરતા વધારે સંગઠનો, ચેમ્બર, ઉદ્યોગ અને કાઉન્સિલ તથા બિઝનેસમેન જોડાયેલા છે. જે લઘુ ઉદ્યોગો માટે ચિંતન કરે છે. ચિંતન બેઠક બાદ સરકારમાં ઉચ્ચસ્તરે રજૂઆતો કરવામાં આવશે એમ જાહેર કરવામાં આવ્યું હતું!