બજેટ-2025- ભારતીય નાગરિકોની ‘સહનશક્તિ’ની અંતિમ ‘કસોટી’!
તંત્રીલેખ: રાજેશ પટેલ
1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે,નાણામંત્રી નિર્મલા સીતારામન ફરી એકવાર સંસદમાં લાંબુ ભાષણ આપશે અને પછી દેશના નાગરિકોના આર્થિક ભવિષ્યનો નિર્ણય કરશે, કેન્દ્રીય બજેટ સાથે સંબંધિત આ વખતે મહત્વપૂર્ણ પાસું એ છે કે કેન્દ્રીય બજેટ પહેલા, અચાનક દેશના રાજકારણ અને મીડિયામાં સર્વત્ર મધ્યમ વર્ગની ચર્ચા શરૂ થઈ ગઈ. અરવિંદ કેજરીવાલે ખાસ મધ્યમ વર્ગને દેશના મુદ્દાઓમાં ફોકસમાં લાવ્યા તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોસિયલ મીડિયાનો ઉપયોગ કરીને પ્રતિક્રિયા લીધી હતી. આ પ્રતિસાદમાં મોદીજીને જાણવા મળ્યું કે મધ્યમ વર્ગમાં ભારે નારાજગી છે તો મધ્યમ વર્ગની આ સમસ્યા શું છે?
નિર્મલા સીતારામનના બજેટ પાસેથી મધ્યમ વર્ગને ઘણી અપેક્ષાઓ છે. જો નિર્મલા સીતારામનનું બજેટ મધ્યમ વર્ગની અપેક્ષાઓને પૂરી કરતું નથી તો સંભવ છે કે નરેન્દ્ર મોદી સરકાર સામે એક પ્રકારનો આર્થિક અસંતોષ વિકસી શકે છે જે તેમના મતો પર અસર કરશે. બજેટ પહેલા નાગરિકોની ખરીદશક્તિ ઘટી હોવાના નાના-નાના સમાચાર અમૂક વર્તમાનપત્રોમાં નાની સાઈઝમાં પ્રકાશિત થયેલા છે. ગમે તેવી સરકારી જાહેરાતો અને માર્કેટિંગ હોય પણ અંતે તો એક નાગરિકોની વાસ્તવિક નાણાકીય સ્થિતિ જ જે તે સરકારોના અંતિમ સર્ટીફીકેટ ફાડવા તૈયાર બનતી હોય છે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સરકારના કામ અંગેના ફીડબેકને ખૂબ જ ગંભીરતાથી લે છે. આવી સ્થિતિમાં બજેટ પહેલા તેમને જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો તે સરકારને મદદરૂપ થયો અને પાર્ટીની અંદર ક્યાંકને ક્યાંક ચિંતા પણ ચોક્કસપણે ઊભી થઈ છે,પણ રસ્તો કાઢવો એટલો સહેલો હવે રહ્યો નથી!
મધ્યમ વર્ગ ભાજપનો મૂખ્ય સમર્થક રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વર્ગે જે રીતે સરકાર પ્રત્યે ખુલ્લેઆમ નારાજગી દર્શાવી છે, તેને પી.એમ મોદીએ ગંભીરતાથી લીધી છે અને તેમની સરકારના તમામ મંત્રીઓને કહ્યું છે. તેમની સાથે વાતચીત કરો, પરંતુ વાસ્તવિકતા અત્યંત ગંભીર છે અને દેશી ભાષામાં ‘વેન્ટીલેટર’ પર રહેલા સામાન્ય નાગરિકને મેરેથોન દોડમાં વિજેતા બનાવવાની વાત છે!
મધ્યમ વર્ગ આ બજેટમાં પોતાના માટે રાહત પેકેજ ઈચ્છે છે કેમ કે આ વર્ગ સૌથી વધુ મોંઘવારીનો ભોગ બન્યો છે તેથી તેની માંગ હવે મજબૂત છે અને હવે ઓછું સ્વીકારવા તૈયાર નથી. બજેટ પહેલા આવકવેરામાં મોટી રાહત મળે તેવો માહોલ પણ સર્જાયો છે પરંતુ સરકારના આંતરિક સૂત્રો કહે છે કે આ બજેટમાં વધુ આપવાનો વિકલ્પ દેખાતો નથી, આવી સ્થિતિમાં સરકાર તેમને શું આપશે અને આ માટે મંત્રાલયોને તેમનું હોમવર્ક કરવાનું કહેવામાં આવ્યું છે, હવે જુઓ, બજેટ પહેલા એક તરફ નરેન્દ્ર મોદી મધ્યમ વર્ગના અસંતોષથી ચિંતિત છે. બીજી તરફ હિન્દી અખબારોમાં આર્થિક મુદ્દાઓ પર લખતા વરિષ્ઠ અર્થશાસ્ત્રી ભરત ઝુનઝુનવાલાએ એક સૂચન આપ્યું છે.: ‘’મધ્યમ વર્ગને આવકવેરા મુક્તિ આપવી જોઈએ નહીં કારણ કે આ પગલાથી ફુગાવો વધવાની સંભાવના છે. હવે તેઓએ આ સમસ્યાનો સામનો કરવા માટે શું સૂચનો આપ્યા છે એ જાણી તમે પણ થોડું હસવા માટે મજબૂર થઈ શકો છો!!, પરંતુ તેમ છતાં જો કોઈ વરિષ્ઠ અર્થશાસ્ત્રીએ કોઈ સૂચન આપ્યું હોય તો તેની પાછળ કંઈક કારણ હોવું જોઈએ. તેઓ કહે છે કે ઈંધણ તેલ પર આયાત કર અથવા એક્સાઈઝ ડ્યુટી હોવી જોઈએ. પેટ્રોલની કિંમતમાં વધારો વર્તમાન 100 રૂપિયા પ્રતિ લીટરના દરે રાખવો જોઈએ.(તમારે હસવું કે રડવું એ તમે જ નક્કી કરી લ્યો!) જો પેટ્રોલની કિંમત વધીને રૂ, 150 લિટર થઈ જાય તો આપણે ગભરાવું જોઈએ નહીં. તેઓ પેટ્રોલ વિષે શું કહે છે તે વિચારો. પછી એવું સૂચન કરવામાં આવે છે કે જીએસટી ઘટાડીને આ મૂળભૂત વધારાની ભરપાઈ કરવી જોઈએ. ઈંધણ તેલ પર ટેક્સ તરીકે વસૂલવામાં આવતી રકમને GSTમાં મુક્તિ આપવી જોઈએ. આમ કરવાથી મોંઘવારી બિલકુલ વધશે નહીં, સરકારની આવક યથાવત રહેશે પરંતુ અર્થવ્યવસ્થા આગળ વધશે. GST ઘટાડવાથી દેશમાં ઉત્પાદિત માલ પણ આયાતી માલસામાનની સરખામણીમાં સસ્તો થશે અને ફરીથી સ્થાનિક ઉદ્યોગોનો નફો વધશે, નોકરીઓ વધશે અને પછી વિકાસ દર વધશે. જો નાણામંત્રી આવકવેરામાં છૂટ આપવા માગે છે, તો પ્રશ્ન એ છે કે તેઓ કયા મધ્યમ વર્ગને આવકવેરામાં છૂટ આપશે????
મધ્યમ વર્ગના ઘણા પ્રકારો છે, જેમાંથી એક વર્ગની વાર્ષિક આવક 15 થી 20 લાખ રૂપિયા છે, એટલે કે, જે વ્યક્તિ મહીને સામાન્ય રીતે એક લાખ રૂપિયાથી દોઢથી બે લાખ રૂપિયા કમાય છે. બીજો મધ્યમ વર્ગ છે, જે ભાગ્યે જ દર મહિને 15 થી 20 હજાર રૂપિયા કમાય છે, ત્રીજો વર્ગ કે જે વાર્ષિક 3 લાખ નીચે કમાય છે.હવે પ્રશ્ન એ છે કે જો સરકાર આવકવેરામાં છૂટ આપે છે, તો કેવી રીતે મૂક્તિ આપવી જોઈએ?, કોને લાભ મળવો જોઈએ? ક્યાં ધ્યાન આપવું જોઈએ,? વાર્ષિક એક લાખથી ઓછી આવક ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નિર્મલા સીતારમણ આ પ્રશ્ન પર વિચાર કરશે? સમસ્યા ખૂબ ગંભીર છે.ભારતીય અર્થતંત્રને એવા રોગ છે જે પકડાય જાય પણ સારવાર કરી શકાય એ સ્થિતિ બનતી નથી!
ભારતના આર્થિક એન્જિનની ગતિ ધીમી પડી રહી છે, જેનું સૌથી મોટું નુકસાન મધ્યમ વર્ગ દ્વારા ઉઠાવી રહ્યો છે. અર્થતંત્રનું માંદલું ચિત્ર એ માત્ર એક ખરાબ ક્વાર્ટરનું પરિણામ નથી, તે અનેક લેવામાં આવેલા ખરાબ નિર્ણયોનું સજ્જડ પરિણામ છે
ભારતીય રિઝર્વ બેંક અને વિશ્વભરની અન્ય બેંકો. ઘણી સંસ્થાઓ ભારતના આર્થિક વિકાસમાં ઘટાડાનો અંદાજ લગાવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતનો સમય આવી ગયો છે. ભારતની અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે પણ આંકડાઓ સાથ આપતા નથી!
અર્થશાસ્ત્ર વિષયના જાણીતા પત્રકાર શેખર ગુપ્તા કહે છે કે ફોરેક્સને કારણે ભારત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ મૂજબ લગભગ 200 લોકો એવા છે જે અત્યંત અમીર છે, આ લોકો કરોડપતિ અને અબજોપતિ છે. આમાંના ઘણા કરોડપતિઓ વિદેશ ભાગી રહ્યા છે, વિદેશમાં તેમનું મૂખ્ય મથક સ્થાપી રહ્યા છે, ત્યાં તેઓ મિલકતો ખરીદી રહ્યા છે અને અબજોપતિઓ જોર જોરથી સરકારના વખાણ કરી રહ્યા છે અને એવા મંત્રો જાપ કરી રહ્યા છે કે આપણી અર્થવ્યવસ્થા વધશે અને હવે ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. જે અબજોપતિઓ ચોક્કસપણે દેશમાં જ રોકાયા છે તેઓ દેશમાં રોકાણ નથી કરી રહ્યા તેઓને ઘટતી જતી નાગરિકોની ખરીદશક્તિ વિષે જાણ છે!
માંગ કેમ ઘટી છે?. હવે જરા વિચારો, જે રીતે અર્થતંત્રમાં માંગ ઝડપથી ઘટી છે, તે જોતા અર્થતંત્રનું બજેટ એ રીતે બનાવવું જોઈએ કે જેથી લોકોની આવકમાં વધારો થાય, જ્યારે લોકોની આવક વધે ત્યારે તેઓ તેમના રોજિંદા જીવનમાં પૈસા ખર્ચ્યા પછી થોડા પૈસા બચાવી શકશે અને પછી તેઓ તે નાણા લઈને બજારમાં જશે અને તેઓ થોડી વધુ ખરીદી કરશે તો માંગ વધશે. જો માંગ વધશે તો ઉદ્યોગપતિઓ તેમની તિજોરી ખોલશે અને રોકાણ કરશે. જો તેઓ રોકાણ કરશે તો નવી ફેક્ટરીઓ સ્થપાશે. નવી ફેક્ટરીઓ સ્થપાશે તો નવી નોકરીઓનું સર્જન થશે!
સસ્તી નાની કારનું વેચાણ ૪૦% ઘટ્યું પણ મોટી મોંઘી કાર માટે વેઇટિંગ લિસ્ટ છે! હવે આ સ્થિતીથી મધ્યમવર્ગની આસપાસ જે પ્રકારનું નવું રાજકારણ ચાલી રહ્યું છે તેનાથી મધ્યમ વર્ગ ભયંકર નારાજ છે. આ મધ્યમ વર્ગ ટેક્સ સ્વરૂપે પૈસા ચૂકવે છે. તે ગરીબોના મત ખરીદતી પાર્ટીઓથી નારાજ છે, જેમાં ભાજપ હવે આગળ નીકળતા લોકો જોઈં રહ્યા છે. છેલ્લા 11 વર્ષમાં ભાજપ સરકારોએ 20 ટ્રિલિયન રૂપિયાનું વિતરણ કર્યું છે, જેમાં મફત અનાજની કિંમતનો પણ સમાવેશ થાય છે.
અમૂક પ્રશ્નો નાણામંત્રી સીતા રમણને પૂછવા જરૂરી છે કે તેની પાસે આના શું જવાબ છે?. પહેલો પ્રશ્ન એ છે કે હમણાં જ જ્યારે નવેમ્બરમાં પૂરા થતા ક્વાર્ટરમાં વિકાસ દર ઘટતો જોવા મળ્યો હતો, ત્યારે સરકારે દાવો કર્યો હતો કે આ વૃદ્ધિ દર આગામી થોડા ક્વાર્ટરમાં વધશે પણ કેમ ન વધ્યો? કૃષિમાં સારી વૃદ્ધિને કારણે અર્થતંત્ર સારી રીતે ચાલી રહ્યું છે, તેથી આના કારણે ગ્રામીણ માંગમાં વધારો થશે. વપરાશ વધશે અને વિકાસ દર વધશે. ચાલો જોઈએ કે આ વિધાન સાચું છે કે ખોટું. જુઓ અર્થતંત્રને ત્રણ ભાગમાં વહેંચીને સમજાય છે. અર્થતંત્રને આ ત્રણ ક્ષેત્રોમાં વિભાજીત કરીને સમજાય છે. પ્રથમ પ્રાથમિક ક્ષેત્ર એ કૃષિ છે, ગૌણ ક્ષેત્ર ઉદ્યોગ છે અને ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર, બેંકો, વીમો વગેરે પહેલો પ્રશ્ન આપણે એ પૂછવો જોઈએ કે શા માટે સરકારને કૃષિ ક્ષેત્રે પ્રગતિની શક્યતા દેખાઈ છે? પરંતુ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં નહીં??
કુલ ઘરેલું ઉત્પાદન (GDP) માં કૃષિનું યોગદાન માત્ર 15% છે જ્યારે GDPમાં ઉદ્યોગોનું યોગદાન 25% છે અને સેવા ક્ષેત્રનું યોગદાન 55% માનવામાં આવે છે. %, એટલે કે જો કૃષિમાં સુધારો થશે, તો વૃદ્ધિ દરને મહત્તમ 1.5% અસર થશે તેથી જો વિકાસ દર વધારવો હોય તો કૃષિની સાથે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં પણ સુધારો કરવો જોઈએ જેના કોઈ અણસાર હાલમાં દેખાતા નથી! જ્યાં સુધી અર્થતંત્રમાં કોઈ વાસ્તવિક પ્રગતિ નહીં થાય, ગમે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવે, ગમે તેટલા દાવા કરવામાં આવે, અર્થતંત્રમાં કોઈ પ્રગતિ થશે નહીં.
મારો એડિટોરીયલ મસાલેદાર અને સ્વાદિષ્ટ હોતો નથી, તમે મધ્યમ વર્ગના સભ્ય હોય, નીચલા મધ્યમ વર્ગના સભ્ય હોય, ઉચ્ચ મધ્યમ વર્ગના સભ્ય હોય કે કે આર્થિક સધ્ધર હોય પણ નાગરિકની આવક વધે નહિ કે ખર્ચ ઘટે નહીં ત્યાં સુધી સરકાર અર્થતંત્રને આગળ લઈ જશે એવા સપના જોવા એ સમજણની મોટી અસમજણ છે!