શેરબજાર લોહિયાળ ગરકાવમાં: રૂપિયો તળિયે અને ભારતનું અર્થતંત્ર સંકટમાં!

0
273
bloody-stock-market-crash-rupee-bottoms-indias-economy-in-crisis
bloody-stock-market-crash-rupee-bottoms-indias-economy-in-crisis

       આખરે શેરબજાર અને રૂપિયો સતત તળિયે જવાના કારણો ક્યાં છે??

એડીટોરીયલ -રાજેશ પટેલ(તંત્રી)

                        ભારતનું અર્થતંત્ર સૌથી પડકારજનક તબક્કામાં છે. આપણા દેશના અર્થતંત્રની તંદુરસ્તી સમજવા માટે શેરબજાર મહત્વનું ગણાય! શેરબજારના લાલ આંકડાઓની સંખ્યા એટલી વધી ગઈ કે શેરબજાર લોહિયાળ બની ગયું છે! છેલ્લા એક અઠવાડિયામાં 3000 પોઈન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.250 અબજ યુએસ ડોલરનું નુકસાન ભારતીય શેરબજારમાં થયું છે. અને આ એક ‘ઈન્ડીકેટર’ છે ભારતીય શેરબજાર કઈ હદે ‘ડાઉન’ થઇ રહ્યું છે, હવે આ હદે શેરબજાર ડાઉન માટેના જે કારણો છે એમાનું એક કારણ એ છે કે વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાંથી તેમના નાણા પાછા ખેચી રહ્યા છે!

                બીજું એક કારણ આપવામાં આવે છે કે  ચીને તેમની નીતિમાં થોડા ફેરફાર કર્યા હોય ભારતીય અને વિદેશી રોકાણકારો ચીનમાં જઈ રહ્યા છે. હવે વિદેશી રોકાણકારો અને ભારતના રોકાણકારો વિશ્વના બીજા દેશોમાં રોકાણ કરવા જાય એ પહેલા પોતાની તરફ રોકાણ ખેચી લેવા ચીને પોતાની નીતિઓમાં ફેરફાર લાવવામાં આવ્યો એવું શક્ય છે! હવે રોકાણકારો ભારતીય શેરબજારમાંથી જવાથી બીજું સંકટ પેદા થયું છે તે ડોલરનું છે! આ સંકટ ટ્રમ્પની આર્થિક અને રાજકીય વિચારધારાથી થયું છે. અમેરિકમાં જઈને ભારતીય લોકો કમાઈને અમુક હિસ્સો ભારતમાં ડોલરના સ્વરૂપમાં મોકલતા અબે ભારતના ડોલરના ખજાનામાં વૃદ્ધિ થતી! હવે એ ડોલર આવવામાં મોટા પાયે ઘટાડો થવા લાગ્યો અને ટ્રમ્પની કામગીરી જોતા હજી એ વધુ ઘટશે એમ લાગે છે!

                   શેરબજારના નાણાંના ઘટાડાની પરિસ્થિતિને સમજીએ તો આ વિદેશી રોકાણકારો(FII) ભારતમાંથી કેમ બહાર ગયા છે? તો જવાબ એ છે કે ભારતમાં તેમને જે શેરબજાર તેજીમાં દેખાતી હતી તે એક કૃત્રિમ તેજી હતી એવું તેઓ સમજવા લાગ્યા!.આ કૃત્રિમ તેજી સમજવા સરળ ભાષામાં  PE- Price–earnings  રેશિયો સમજવો પડશે! PE રેશિયો એ શેરમાં કેટલી નફાની રકમ કમાયા અને શેરબજારની વાસ્તવિક કિંમત શું હશે એ બંને વચ્ચેનો ગુણોત્તર એ PE- Price–earnings  રેશિયો કહેવાય!

                     ઉદાહરણ દ્વારા સમજીએ તો એક કંપની એક વર્ષમાં 1 રૂ. નફો કરે છે. 10  વર્ષમાં કમાય 10 રૂ કરે છે, 20 વર્ષમાં  20રૂ નફો કરે છે એટલે આ હિસાબે 40રૂ નફો કરતા  કે 40 વર્ષ લાગશે હવે કોઈને કહેવામાં આવે કે 1રૂ હિસ્સો (વાર્ષિક નફો) આપતી  કંપનીને 40રૂ,માં ખરીદી લ્યો કેમ કે 40 વર્ષ પછી એની કિંમત ચાલીસ લાખ થઇ જશે તો કોઈ બુદ્ધિશાળી માણસ આ સોદો કરશે? ના! પણ આ કંપની કોઈ 10-12 રૂ. માં આપે તો કોઈ કદાચ સાહસ કરે એવું બને! મોટા શેર ઇન્વેસ્ટર્સ ખરેખર એ જ જૂએ છે કે આજે શેરનો ભાવ કિંમત કંપનીના નફા પર આધારિત છે તે કેટલા વર્ષના નફા બરાબર થાય? તો જો તે 12, 14 વર્ષ કે 20 વર્ષ  હોય તો પણ સ્ટોકમાર્કેટ એવું સામાન્ય માનીને ચાલે કે  20 વર્ષમાં શેરબજાર ઉપર નીચે જતા 20 વર્ષમાં તો કવર થઇ જ જશે પરંતુ પરંતુ જો આ વાત  40 વર્ષ સુધી જાય એમ લાગે તો?તો તમે જ કહેશો મિત્ર  40 વર્ષ કોણે જોયા છે? બસ! ભારતીય શેરબજારનો આજ મામલો મોટા વિદેશી અને ભારતીય રોકાણકારો માટે ‘રેડલાઈટ’ બતાવવા લાગ્યું છે! આ  PE- Price–earnings  રેશિયો 40 વર્ષ સુધી પહોચી ગયો છે!અમૂક શેર તો 40 કરતા પણ વધી ગયા છે એટલે કે 40 વર્ષ પછીની કિંમત એટલે કે 40 રૂની વસ્તુ 1 રૂ વસ્તુ કોઈ કેમ ખરીદે? વિદેશી રોકાણકારોને એટલે ભારતના શેરબજારની સ્થિતિ ફૂલાવેલા ફૂગ્ગા જેવી સમજવા લાગ્યા અને કડાકા બોલવા લાગ્યા છે! હવે કૃત્રિમ તેજી પેદા કઈ રીતે કરવામાં આવી એના કારણ સમજીએ તો હિંડનબર્ગ રિપોર્ટમાં જેમ કહેવામાં આવેલ એ મૂજબ અદાણી જેવી કંપની પોતાની જ કંપનીના શેર ખરીદી ખરીદીને પોતાના શેરના ભાવ આસમાને પહોચાડી દીધા,આ સ્થિતી જયારે લથડવા લાગી ત્યારે સામાન્ય રોકાણકારો જેઓ એસ.આઈ.પી.માં શેર ખરીદી લ્યે છે.મોટી મોટી કંપનીઓ જે એસ.આઈ.પી. દ્વારા લોકોના પૈસા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મેળવે છે તેઓ તે નાણાના રોકાણ દ્વારા શેર ખરીદે છે અને શેરના ભાવ કૃત્રિમ વધતા જાય છે એ ભાવ વધેલા જોઇને નવા રોકાણકારો એ શેર ખરીદે એટલે ફરી શેરનો ભાવ વધે આ ચક્ર એવું ચાલ્યું કે મામલો આજના  ગંભીર સ્તરે પહોચી ગયો ત્યારે વિદેશી રોકાણકારોને લાગ્યું કે આ સ્થિતી અત્યંત ગંભીર છે એટલે તેઓએ શેરબજારમાંથી નાણા કાઢવાનું શરુ કર્યું!

           હવે ‘રૂપિયા’ ની હાલત પર વાત કરીએ! ‘રૂપિયા’નો ડોલર સામે જે ‘કેબ્રે-ડાંસ’ થઇ રહ્યો છે એ જોતા અર્થશાસ્ત્રના વિદ્વાનો ડોલર સામે રૂપિયો 90 રૂ બરોબર ક્યાંક થઇ ન જાય એ બાબતે ડરની સ્થિતિમાં છે! આપણું આર.બી.આઈ.(રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) પોતાના છાપેલા રૂપિયા પોતેજ ડોલર દ્વારા ખરીદે છે! આર.બી.આઈ.એ ઓકટોબર 2024 થી ફ્રેબુ 2025 વચ્ચેના સમયગાળામાં 20 અરબ ડોલર ખર્ચીને પોતાના જ રૂપિયા(નાણા) ખરીદયા! કોઈ દેશ ડોલર ખર્ચીને પોતાની જ દેશની કરન્સી ખરીદે?? ‘રૂપિયા’નું અવમૂલ્ય રોકવા બીજા કોઈ ઉપાય કદાચ રહ્યા નથી એ સમજી શકાય! ‘ડિમાન્ડ એન્ડ સપ્લાય’ ના નિયમ મૂજબ ડોલર ખર્ચીને ‘રૂપિયા’ની માંગ ઉભી કરી અને એને ખરીદીને થોડો ‘મોંઘો’ કરી શકાય પણ આ ‘ઉપાય’ જ મોટો ‘રોગ’ લઈને આવે એમ છે. જે રીતે ટ્રમ્પના તરંગીવેડાનો સામનો વિશ્વ કરી રહ્યું છે એ જોતા કૃત્રિમ રીતે રૂપિયો સહેજ મોંઘો બનાવતા જે દેશો ભારતમાંથી કઈ ખરીદતા હશે એ પણ ખરીદતા બંધ થઇ જશે. દા.ત.એક કંપની ભારતમાંથી ચોખા મંગાવવા માંગે છે તો ભારત કરતા પાકીસ્તાનનો રૂપિયો ડોલર સામે વધુ ડાઉન હોય તો ત્યાંથી ચોખા મંગાવવામાં તેમને ફાયદો થાય આ સમજી શકાય એવી બાબત છે. ભારત પાસે મજબૂરીથી પણ ખરીદવી પડે એવી વૈશ્વિક ગરજ હજી આપણે ઉભી કરી શકયા નથી! એટલે આર.બી.આઈ.ની ‘રૂપિયા’ની ‘દવા’ કરવાની પદ્ધતિ જોખમી સાબિત થાય તો નવાઈ નહિ થાય!

સાચી સમસ્યા શું છે? તો સ્પષ્ટ જવાબ છે: લોકો પાસે પૈસા નથી!! દેશના સામાન્ય નાગરિકોના નાણા ધીમે ધીમે દેશના ટોચના અમીર ગણાય એમની પાસે જવા લાગ્યા છે, સ્થિતી એ બની છે કે અમીર વધુ અમીર બનવા લાગ્યો છે અને ગરીબ વધુ ગરીબ બનવા લાગ્યો છે. રોજગારી વધારવાનો અને નાગરિકોની આવકમાં વધારો કરવાના કે તેના ખર્ચમાં ઘટાડો કરવાના કોઈ સરકારના મજબૂત કાર્યો હજી દેખાતા નથી! દેશના નાગરિકોની ખરીદશક્તિ તળિયે આવીને બેસી ગઈ છે તો માલ વેચાશે ક્યાંથી???દેશની એફ.એમ.સી.જી.કંપનીઓનું વેચાણ ઘટી ગયું છે. મોટી મોટી કંપનીઓ નાના પેકમાં વસ્તુઓ વેચવા લાગ્યા છે. મોલમાં કાગડા ઉડવા લાગ્યા અને રસ્તા અને ફૂટપાથો પર લોકો વધુ ખરીદી કરવા લાગ્યા છે! થોડામાં ઘણું સમજો! એક રસપ્રદ વાત કરીશ. હિન્દુસ્તાન લીવર જેવી મોટી એફ.એમ.સી.જી.કંપનીઓનું વેચાણ ઘટ્યું પણ નાની એફ.એમ.સી.જી.કંપનીઓનું વેચાણ વધે છે કેમ કે એ  ‘કોલગેટ ’જેવી બ્રાન્ડ સામે ‘કોલાયગેટ’ જેવી ટૂથપેસ્ટ ઓરીજનલ કોલગેટ બ્રાન્ડ કરતા 10-20 રૂ.નીચા ભાવે વેચે તો એ વેચાય જાય છે એટલે કે ક્વોલિટી કરતા લોકો સસ્તું ખરીદવા લાગ્યા છે કેમ કે મોંઘવારી ભયાનક છે! આમદની અઠ્ઠની ,ખર્ચા રૂપૈયાને બદલે ખર્ચા બે રૂપિયા થઇ ગયો છે! હવે તમે સમજી શકશો કે અર્થતંત્ર કઈ બાજુ જઈ રહ્યું છે. શેરબજારની સ્થિતી કંગાળ ને કંગાળ થતી જાય છે કેમ કે કંપનીઓનું વેચાણ પણ ઘટી રહ્યું છે! રૂપિયા અને બજારની માંગની સ્થિતી  જોતા શેરબજારની પરિસ્થિતિ વધુ ખતરનાક બને તો નવાઈ નહિ!