ગુજરાત રાજ્યમાં શિક્ષિત બેરોજગારી: સપનાઓની ડિગ્રી, પરંતુ નોકરી ક્યાં?

0
109
educated-unemployment-gujarat-state
educated-unemployment-gujarat-state

ગુજરાત રાજ્યમાં શિક્ષિત બેરોજગારી નો હાહાકાર……….

ગુજરાત તેની ઉદ્યોગસાહસિકતા અને વિકાસ માટે જાણીતું છે પણ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારીની ભયંકર સમસ્યા ઊભી થઈ રહી છે. આ સમસ્યા માત્ર આર્થિક નથી પરંતુ સમાજના દરેક સ્તરે તેની અસર જોવા મળે છે. દેશમાં હાલમાં ત્રણ કરોડથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે. આ આંકડો દેખાવમાં ભલે આકર્ષક લાગે છે, પરંતુ 18 થી 23 વર્ષની વય જૂથની વસ્તીને જોતા, માત્ર 26% યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. આનો અર્થ એ છે કે 74% યુવાનો ઉચ્ચ શિક્ષણથી વંચિત છે. વધુમાં, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓમાં પણ, રોજગાર મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.મોંઘુ શિક્ષણ અને શિક્ષણક્ષેત્રના અતિ ખાનગીકરણના કડવા ફળ હવે ગુજરાતને મળવા લાગ્યા છે! સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટ હેઠળ થતી ભરતીઓએ સ્થિતી વધુ બગાડવા માટે જવાબદાર છે! જયારે સરકારી કચેરીઓમાં કર્મચારીઓની જરૂર છે જ તો કોન્ટ્રાકટ હેઠળ ભરતી કરવાની સરકારને જરૂર જ શું છે? સરકારી કચેરીઓમાં પાંચ વર્ષ પછી નોકરી કરીને શિક્ષિત વ્યક્તિનું ભવિષ્ય ચોક્કસ બગડે છે આ કોઈ સરકાર કેમ વિચારતી નથી? ગુજરાતમાં શિક્ષણ ડ્રોપઆઉટ રેશિયો ચિંતાજનક છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા તાજેતરના આંકડા મુજબ ધોરણ 9 અને 10માં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ દર 23.28% છે. આનો અર્થ એ છે કે દરેક 100 વિદ્યાર્થીઓમાંથી લગભગ 23 વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડી દે છે. આ આંકડો માત્ર એક સંખ્યા નથી પણ વિદ્યાર્થી અને વાલીઓના અધૂરા સપનાઓ અને તૂટેલા આશાઓનું પ્રતિબિંબ છે!
ઉચ્ચતર માધ્યમિક સ્તરે પણ ચિંતાજનક સ્થિતિ ધોરણ 11 અને 12માં પણ સ્થિતિ ચિંતાજનક છે, જ્યાં ડ્રોપઆઉટ દર 6.19% નોંધાયો છે. આ ઉંમરે, વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યના નિર્માણ માટે મહેનત કરતા હોય છે, પરંતુ આ આંકડા દર્શાવે છે કે અનેક વિદ્યાર્થીઓને તેમના સપનાઓને સાકાર કરવાની તક નથી મળી રહી.

જિલ્લાવાર સ્થિતિ: બોટાદમાં સૌથી વધુ, રાજકોટમાં સૌથી ઓછો ડ્રોપઆઉટ

જિલ્લાવાર વિશ્લેષણ કરતા, બોટાદ જિલ્લામાં ધોરણ 9-10માં સૌથી વધુ 35.45% ડ્રોપઆઉટ દર નોંધાયો છે, જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આ દર સૌથી ઓછો, 8.53% છે. આ વિરોધાભાસ દર્શાવે છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં શિક્ષણ પ્રણાલીમાં સમાનતા નથી અને કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે.

શિક્ષિત બેરોજગારીના આંકડા

2018-19ના ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન અનુસાર, દેશમાં યુનિવર્સિટીઓની સંખ્યા 2011-12માં 642થી વધીને 990 થઈ છે. ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા વધવાથી, છેલ્લા આઠ વર્ષમાં 199 ખાનગી યુનિવર્સિટીઓ સ્થાપિત થઈ છે. પરંતુ, આ યુનિવર્સિટીઓમાં શિક્ષણનું સ્તર ઘણી વખત નબળું હોય છે, જે વિદ્યાર્થીઓને યોગ્ય કૌશલ્ય અને જ્ઞાન આપવામાં નિષ્ફળ જાય છે.ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા તાજેતરના આંકડા મુજબ, રાજ્યમાં કુલ 2,83,140 બેરોજગાર નોંધાયેલા છે, જેમાંથી 2,70,922 શિક્ષિત બેરોજગાર છે.

            આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં બેરોજગારીનો મોટો ભાગ શિક્ષિત યુવાનોનો છે, જે ચિંતાજનક પરિસ્થિતિનું પ્રતિબિંબ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિક્ષિત બેરોજગારીની સ્થિતિ જોઈએ તો અમદાવાદ: 44,384,વડોદરા: 27,666 શિક્ષિત બેરોજગાર,સુરત: 24,020 શિક્ષિત બેરોજગારના આંકડા દર્શાવે છે કે મોટા શહેરોમાં પણ શિક્ષિત યુવાનો રોજગારથી વંચિત છે.

બેરોજગારીના કારણે આત્મહત્યાના કેસ વધી ગયા છે.

શિક્ષિત બેરોજગારીની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે અનેક યુવાનો આર્થિક અને માનસિક તણાવને કારણે આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે. 2016થી 2019 દરમિયાન, ગુજરાતમાં 1,095 બેરોજગાર યુવાનોએ આત્મહત્યા કરી છે, જે દેશના કુલ 10,294 કેસોમાંથી 11% છે. આ આંકડા દર્શાવે છે કે બેરોજગારીના કારણે માનસિક સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવ ભયજનક છે!

બેરોજગારીનો વધતો દર

મેથી ઓગસ્ટ 2019 દરમિયાન, બેરોજગારીનો દર 7.03% થી વધીને 8.19% થયો છે, જે વૈશ્વિક સરેરાશ 4.95% કરતા ઘણો ઊંચો છે. ખાસ કરીને, શિક્ષણના વધતા સ્તર સાથે બેરોજગારીનો દર પણ વધે છે. અશિક્ષિતોમાં બેરોજગારીનું પ્રમાણ ઓછું છે,કારણ કે તેઓ સામાન્ય રીતે ગરીબ વર્ગના હોય છે અને બેરોજગાર રહેવું પરવડી શકતું નથી.

શિક્ષિત બેરોજગારીના કારણો

  • કૌશલ્યનો અભાવ: ઘણા સ્નાતકો પાસે રોજગાર માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાનનો અભાવ હોય છે, જે તેમને રોજગાર મેળવવામાં અસમર્થ બનાવે છે.
  • ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા: વધતી ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા છતાં, શિક્ષણની ગુણવત્તા ઘણી વખત નબળી હોય છે, જે વિદ્યાર્થીઓને રોજગાર માટે તૈયાર કરવામાં નિષ્ફળ જાય છે.
  • લિંગ આધારિત અસમાનતા: મહિલાઓમાં બેરોજગારીનું પ્રમાણ 17.60% છે, જે પુરુષો કરતા લગભગ બમણું છે.
  • લિંગ સમાનતા: મહિલાઓને રોજગાર માટે પ્રોત્સાહિત કરવા અને તેમને સમાન તકો આપવા માટે પ્રયાસો કરવા જોઈએ.
  • મોંઘુ ખાનગી શિક્ષણ: શેરી ગલીએ ખાનગી શાળા,કોલેજો અને જથ્થાબંધ મંજૂરીઓ દ્વારા સ્થાપવામાં આવેલી યુનિવર્સીટીઓમાં શિક્ષણ એટલું મોંઘુ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓના સંતાનો પ્રવેશ મેળવી શકે અને અને પ્રવેશ મેળવી પણ લે તો એને દેવું કરવું પડે અને આર્થિક રીતે કંગાળ બની જાય!(ડ્રોપ આઉટ રેશિયો એટલે ઉંચો છે!)

ગુજરાત રાજ્યમાં શિક્ષિત બેરોજગારી એક ગંભીર સમસ્યા છે, જેનો ઉકેલ શિક્ષણની ગુણવત્તામાં સુધારો, કૌશલ્ય વિકાસ જરૂરી છે જે વિદ્યાર્થીઓ સરકારી શાળા-કોલેજમાં ભણવા માંગતા હોય તો એને માટે સરકારી શાળા-કોલેજોમાં જગ્યા હોવી જરૂરી છે! ખાનગી શિક્ષણ કોઈ વિદ્યાર્થી માટે ફરજિયાત બની જાય તો સરકાર સિવાય ખામી કોઈની પણ ન કહી શકાય!

(નોંધ: લેખમાં આપવામાં આવેલ ફોટો એ સાંકેતિક છે.)