ટ્રમ્પના ટેરિફ વધારાથી ગાંધીધામ ઉદ્યોગકારોમાં ચિંતા

0
45
અમેરિકા દ્વારા ટેરિફ વધારાની જાહેરાત થતાં દેશભરમાં ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે
અમેરિકા દ્વારા ટેરિફ વધારાની જાહેરાત થતાં દેશભરમાં ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે

ગાંધીધામ (ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ પ્રતિનિધિ દ્વારા)

અમેરિકા દ્વારા ટેરિફ વધારાની જાહેરાત થતાં દેશભરમાં ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કોમોડિટી, એગ્રિકલ્ચર, સિરામિક અને ઓટોમોબાઈલ ઉદ્યોગો પર તેની અસર પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની યુ.એસ. મુલાકાત દરમ્યાન ટેરિફ વધારાની ચર્ચા ચાલતી હતી, પરંતુ ટ્રમ્પની કડક નીતિએ સ્થાનિક બજારમાં તણાવનો માહોલ ઊભો કર્યો છે. રશિયા, ચાઈના અને યુ.એસ.ની વ્યાપારી નીતિઓ વચ્ચે ભારત મુંઝવણમાં મુકાયું છે. ભારતની મોટાભાગની નિકાસ યુ.એસ.માં થાય છે, અને ટેરિફ વધારાને કારણે નિકાસકારોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર ડ્યુટી વધારાના કારણે કચ્છના ઉદ્યોગો પ્રભાવિત થશે.

ગાંધીધામના શિપિંગ ઉદ્યોગકારો અનુસાર, ટેરિફ વધારા પરથી નિકાસ ઉપર અસર પડશે અને રૂપિયો ડોલર સામે વધુ કમજોર બનશે. યુ.એસ.એ ચાઈના પર પણ ડ્યુટી વધારો લાદ્યો છે, અને આગામી સમયમાં આ વેપાર નીતિનો વ્યાપક અસર જોવા મળશે. નાના-મધ્યમ ઉદ્યોગકારો, ખાસ કરીને જે સંપૂર્ણપણે યુ.એસ. નિકાસ પર આધારિત છે, તેઓ માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બની રહેશે. ભારતના માલસામાન ઉપર યુ.એસ. અગાઉ 3% આયાત ડ્યુટી લેતું હતું, જે હવે સીધું 9.5% કરવામાં આવ્યું છે, જેથી નિકાસ ખર્ચ વધશે અને નફાકારકતા ઓછી થશે. ડોલરની સરખામણીએ રૂપિયો નીચી સપાટીએ આવી ગયો છે, જે ભારતીય નિકાસકારોને વધુ નુકસાન પહોંચાડશે.

ગાંધીધામના ઉદ્યોગકારોના મતે, યુ.એસ. અને ભારત વચ્ચેની પરસ્પર બેઠકોમાં ટેરિફ વધારા અંગે હકારાત્મક પરિણામો જોવા મળ્યા નથી. વૈશ્વિક સ્તરે વેપારી નીતિમાં મોઢા ફેરફારો થઈ રહ્યાં છે, જેના કારણે ભારતીય ઉદ્યોગકારો અને નિકાસકારો ગુંગળામણ અનુભવી રહ્યા છે. ખાદ્યસામગ્રી, ઓટોમોબાઈલ અને સિરામીક ઉદ્યોગ પર સીધી અસર પડશે. કંડલા અને મુન્દ્રા પોર્ટના વેપાર ઉપર પણ અસર પડશે. મોરબીના સિરામીક ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, ગત વર્ષે 15,000 કરોડના સિરામીક ઉત્પાદનો નિકાસ થયા હતા, પરંતુ ટેરિફ વધારા બાદ આ વર્ષે 30-35% ઘટાડો થવાની શક્યતા છે.

અમેરિકા દ્વારા બીજી એપ્રિલથી રિસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાતથી નિકાસકારોમાં ચિંતાનો માહોલ છે. ભારતે આ મુદે જરૂરી પ્રયાસો શરૂ કર્યા છે, અને હવે અમેરિકાના નિર્ણય પર બધાની નજર છે.