લઘુ ઉદ્યોગ કેવી રીતે શરૂ કરવો?
ભારતમાં લઘુ ઉદ્યોગ (Small Business) શરૂ કરવો એ સારો વિકલ્પ છે, કારણ કે તેમાં ઓછી મૂડી અને ઓછા સંસાધનોમાં પણ સફળતા મેળવી શકાય છે. જો તમે સ્વતંત્ર રીતે વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો, તો લઘુ ઉદ્યોગ માટે યોગ્ય આયોજન, રોકાણ, માર્કેટિંગ અને કાનૂની પ્રક્રિયાઓ જાણવી જરૂરી છે. લઘુ-ઉદ્યોગની કલ્પના સાથે આપણી સમક્ષ પાપડ, અથાણાં વગેરે ગૃહઉદ્યોગ, કપ-રકાબી, બૂટ-ચંપલ, સાબુ, ડિટરજન્ટ, કાપડ, તૈયાર વસ્ત્રો, રબર અને પ્લાસ્ટિકની ચીજો, રંગો, રસાયણોથી માંડીને અદ્યતન તકનીકીનો ઉપયોગ કરીને ટેલિવિઝન, કમ્પ્યૂટર તેમજ અન્ય વીજાણુ-સાધનોનું ઉત્પાદન કરતાં કારખાનાં દૃષ્ટિગોચર થાય છે. લઘુ ઉદ્યોગોમાં બનતી 7,500થી વધુ વસ્તુઓની યાદી તેની વિવિધતા દર્શાવે છે. તેની વ્યાખ્યામાં લઘુ ઉદ્યોગો તેમજ યંત્રશાળાઓ અને ખાદી, ગ્રામોદ્યોગ, હાથશાળ, હસ્તઉદ્યોગ, રેશમ અને કાથી બનાવવાના પારંપરિક ઉદ્યોગો તેમજ વ્યાવસાયિક સેવા-એકમોનો સમાવેશ કરવામાં આવે છે.ભારતમાં લઘુ ઉદ્યોગથી શરુ થયેલા ઉદ્યોગ આજે વિદેશી કોર્પોરેટ્સની પણ હરિફાઈમાં છે!
આ લેખમાં અમે લઘુ ઉદ્યોગ શરૂ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવીશું.

1. યોગ્ય ઉદ્યોગ પસંદ કરો
લઘુ ઉદ્યોગ શરૂ કરતા પહેલા, તમને કયા ક્ષેત્રમાં અનુભવ છે અથવા તમારી રુચિ ક્યાં ક્ષેત્રમાં છે તે નક્કી કરો. અહી થોડા લોકપ્રિય લઘુ ઉદ્યોગ અહીં જણાવ્યા છે:
ઉદ્યોગ આધારિત: હેન્ડમેન્ડ વસ્તુઓ, ફર્નીચર મેન્યુફેક્ચરિંગ, હેન્ડીક્રાફ્ટ્સ
ખાદ્ય ઉદ્યોગ: રેસ્ટોરાં, બેકરી, પેકેજ્ડ ફૂડ ઉત્પાદનો
ટેક્નોલોજી ઉદ્યોગ: વેબ ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, ફ્રીલાન્સિંગ
ટ્રેડિંગ અને વિતરણ: ઓટો પાર્ટ્સ, કપડાં, FMCG પ્રોડક્ટ્સનું વિતરણ
સર્વિસ આધારિત: ફીટનેસ ટ્રેનિંગ, ટ્યુશન ક્લાસીસ, બ્યુટી પાર્લર
ટિપ: જે ઉદ્યોગ તમારા બજેટ, માર્કેટ ડિમાન્ડ અને તમારી કુશળતા પ્રમાણે યોગ્ય લાગે, તે પસંદ કરો.
2. બજાર સંશોધન (Market Research) કરો
બજારમાં ઉદ્યોગ માટે કેટલું સ્થાન છે, તે જાણી લેવું મહત્વનું છે. તમારું ઉદ્યોગ સફળ થાય તે માટે બજાર સંશોધન કરો:
લક્ષ્યગ્રાહક કોણ છે? (Target Audience)
સ્પર્ધકો કોણ છે અને તેઓ કેવી રીતે કામ કરે છે?
ઉત્પાદન કે સેવા માટે લોકો કેટલો ખર્ચવા તૈયાર છે?
તમારા ઉદ્યોગ માટે લોકેશન કેટલું મહત્વનું છે?
બજાર સંશોધન તમને યોગ્ય ઉદ્યોગ અને તેની ભવિષ્યની સંભાવનાઓ જાણવા મદદ કરશે.
3. વ્યવસાય માટે મૂડી કેવી રીતે મેળવો?
લઘુ ઉદ્યોગ માટે ઓછી મૂડી જરૂરી હોય છે, પરંતુ શરૂ કરવા માટે થોડી ફંડિંગ તો જોઈએ જ. તમે નીચેના સ્ત્રોતોનો ઉપયોગ કરી શકો:
સ્વ-વિતરિત મૂડી (Self-funding): તમારા બચતના પૈસાથી બિઝનેસ શરૂ કરો.
સરકારી લોન અને સહાય: ભારત સરકાર MSME, Mudra Loan, Stand-Up India જેવી યોજનાઓ હેઠળ લોન આપે છે.
બેંક અને NBFC લોન: નાના ઉદ્યોગો માટે વ્યાજ પર લોન ઉપલબ્ધ છે.
સંયુક્ત ભાગીદારી: પાર્ટનર સાથે બિઝનેસ શરૂ કરીને મૂડી ભેગી કરી શકાય.
લઘુ ઉદ્યોગો માટે સરકાર દ્વારા નાણા સહાય, ટેક્સ સહાય, અને લોનની યોજનાઓ આપવામાં આવે છે એ વિષે થોડી માહિતી:
નાણા સહાય વિષયક:
વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP) હેઠળ નાણા સહાય મળે છે.
MSME બિઝનેસ લોન 5 કરોડ સુધીની લોન મળે છે.
રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ સબસિડી મળે છે.
ટેક્સ સહાય વિષયક:
MSME યોજના હેઠળ, પ્રોજેક્ટ ખર્ચના 75% થી 85% સુધીની આર્થિક સહાય મળે છે.
લોનની યોજનાઓ વિષયક:
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તરુણ લોન, કિશોર લોન, અને શિશુ લોન મળે છે.
ક્રેડિટ ગેરંટી સ્કીમ (CGS) હેઠળ લોન મળે છે.
લઘુ ઉદ્યોગની ઓળખ વિષયક:
સ્વમાલિકીની, ભાડેથી અથવા ખરીદ-વેચાણથી મેળવેલ યંત્ર-સામગ્રીમાં કુલ રોકાણ રૂ. 3 કરોડ સુધીનું હોય તેને લઘુ ઉદ્યોગ તરીકે માન્યતા આપવામાં આવે છે.
ટિપ: બેસ્ટ રીતે બિઝનેસ પ્લાન બનાવો જેથી રોકાણકારો અથવા બેંક પાસેથી લોન મેળવવામાં સરળતા રહે.
4. લાયસન્સ અને રજીસ્ટ્રેશન (Legal Formalities)
તમારા ઉદ્યોગ માટે જરૂરી કાનૂની દસ્તાવેજો અને જરૂરી લાયસન્સ કે સર્ટીફીકેટ્સ મેળવવા જરૂરી છે.
Udyam/MSME રજીસ્ટ્રેશન: નાના ઉદ્યોગો માટે સરકારી લાભ મેળવવા જરૂરી (udyamregistration.gov.in)
GST રજીસ્ટ્રેશન: વાર્ષિક ટર્નઓવર રૂ. 20 લાખથી વધુ હોય તો જરૂરી (gst.gov.in)
FSSAI લાઈસન્સ: ખાદ્ય ઉત્પાદન કે વેચાણ માટે (foscos.fssai.gov.in)
TRADEMARK: બ્રાન્ડ પ્રોટેક્શન માટે
શોપ & એસ્ટાબ્લિશમેન્ટ લાયસન્સ: જો ઓફિસ કે દુકાન હોય તો
ટિપ: બિઝનેસ શરૂ કરતા પહેલા કાનૂની દસ્તાવેજો પુર્ણ કરો જેથી
ભવિષ્યમાં સમસ્યાઓ ન થાય.
5. ઉત્પાદન અને સેવાઓની તૈયારી
તમારા ઉદ્યોગ માટે જો ઉત્પાદન (Manufacturing) કરવાનું હોય, તો રો મટિરિયલની વ્યવસ્થા કરો અને ઉત્પાદન પ્રક્રિયાને સુગમ બનાવો. જો સેવા આધારિત ઉદ્યોગ હોય, તો સર્વિસ મોડલ તૈયાર કરો.
ગુણવત્તા સુનિશ્ચિત કરો
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કે સેવા આપવાની પદ્ધતિ અપનાવો
વિતરણ માટે યોગ્ય ચેનલ પસંદ કરો
ટિપ: આરંભમાં નફા કરતા ક્વોલિટી અને ગ્રાહક સંતોષ પર ધ્યાન આપો.
6. માર્કેટિંગ અને વેચાણ (Sales & Marketing)
માર્કેટિંગ અને વેચાણ બિઝનેસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તમારું પ્રોડક્ટ કે સર્વિસ વધુ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે:
ઓનલાઈન માર્કેટિંગ:
સોશિયલ મીડિયા (Facebook, Instagram, LinkedIn)
ઈ-કોમર્સ પ્લેટફોર્મ (Amazon, Flipkart, Meesho)
ગૂગલ એડવર્ટાઈઝિંગ અને SEO
ઓફલાઈન માર્કેટિંગ:
લોકલ નેટવર્ક, સ્ટોલ અને પ્રસારણ
બ્રોશર અને બેનર દ્વારા જાહેરાત
વર્ડ-ઓફ-માઉથ માર્કેટિંગ
ટિપ: આરંભમાં ફ્રી ટ્રાયલ કે ડિસ્કાઉન્ટ ઑફર કરીને ગ્રાહકોનું ધ્યાન ખેંચો.
7. વ્યવસાય સંચાલન અને વૃદ્ધિ
ઉદ્યોગ સફળ બનાવવો હોય તો નિયમિત મેનેજમેન્ટ અને વૃદ્ધિ માટે પ્રયાસ કરો.
ગ્રાહકોની જરૂરિયાતોને સમજો અને ફીડબેક લો.
ટેકનોલોજી અપનાવી ને બિઝનેસ ઓટોમેટ કરો.
ફાયનાન્સ અને ખર્ચનું યોગ્ય સંચાલન કરો.
વધારે નફો માટે નવા માર્કેટની શોધ કરો.
ટિપ: કસ્ટમર રિલેશન્સ મજબૂત કરો, કારણ કે ઝડપી અને ક્વોલિટી સર્વિસ સફળતા માટે અગત્યની છે.
નિષ્કર્ષ
લઘુ ઉદ્યોગ શરૂ કરવો બહુ મુશ્કેલ નથી, પરંતુ તે માટે યોગ્ય આયોજન, બજાર સંશોધન, મૂડી વ્યવસ્થા અને માર્કેટિંગ મહત્વપૂર્ણ છે. જો તમને પૂરો રસ,રૂચી અને ઉત્સાહ હશે તો જરૂરી એવા આ બધા મુદ્દાઓ પર ધ્યાન આપશો, તો તમારું ઉદ્યોગ ચોક્કસપણે સફળ થશે. દરેક મોટા ઉદ્યોગની શરૂઆત મોટાભાગે એ નાના પાયેથી થતી હોય છે.શરૂઆતના નાના નાના પગથીયા અને રસ્તાઓ એ માર્કેટના ‘રાજા’ બનવા તરફ લઇ જતા હોય છે! સૌથી જરૂરી છે ખુદમાં વિશ્વાસ રાખવો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું!