વિદેશી કંપનીઓ અને મોટા કોર્પોરેટ્સને પ્રોત્સાહન અને  MSMEની અવગણના: શું વાયબ્રન્ટ ગુજરાતનો આ અસલી ચહેરો છે?

વિદેશી કંપનીઓ અને મોટા કોર્પોરેટ્સને પ્રોત્સાહન અને  MSMEની અવગણના: શું વાયબ્રન્ટ ગુજરાતનો આ અસલી ચહેરો છે?

0
152
real-condition-of-gujarat-msmes-sector-gujarat-industrial-times-news-magazine

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સનો સનસનીખેજ ઇન્વેસ્ટીગેટીવ રિપોર્ટ! ફિલ્ડ પર MSME સેક્ટરની સ્થિતી ખરાબ છે સરકારો ચેતી જાય!

વિદેશી કંપનીઓ અને મોટા કોર્પોરેટ્સને પ્રોત્સાહન અને  MSME માટે અવગણના: શું વાયબ્રન્ટ ગુજરાતનો આ અસલ ચહેરો છે?

                  ગુજરાત એ ભારતની આર્થિક વૃદ્ધિનું એન્જિન ગણાય એવું સમૃદ્ધ રાજ્ય છે.ગુજરાત રાજ્યની ઔદ્યોગિક પ્રગતિ અને વિકાસની વાત કરતી વખતે “વાયબ્રન્ટ ગુજરાત”નો શબ્દ વારંવાર સાંભળવામાં આવે છે એના કરતા વધુ ‘સંભળાવવા’માં આવે છે!  પરંતુ, શું આ પ્રગતિનો લાભ સ્થાનિક સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) સુધી પહોંચી રહ્યો છે? ગુજરાતના ઔદ્યોગિક લેન્ડસ્કેપમાં MSMEsની સ્થિતિ અને તેમને મળતા પ્રોત્સાહનોની જી.આઈ.ડી.સી.વિસ્તારોના તપાસ કરતાં MSME સ્વરૂપની ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ સાથે ચર્ચા કરીએ તો એક વિરોધાભાસી ચિત્ર સામે આવે છે. જ્યાં એક તરફ મોટા ઉદ્યોગોને ભરપૂર પ્રોત્સાહન મળી રહ્યું છે, ત્યાં બીજી તરફ MSMEsને અવગણવામાં આવી રહ્યા છે પરંતુ તેમનો અવાજ ઘણા કારણોસર બુલંદ થતી નથી પણ આ લેખ દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ દ્વારા એમની લાગણીઓ અને માંગણીઓને રજૂ કરી રહ્યા છીએ જે બીજા મેગેઝિનો કે વર્તમાનપત્રો કરતા નથી! ગુજરાતના MSME સેક્ટરની વાસ્તવિક સ્થિતિ, તેમને મળતા પ્રોત્સાહનો અને રાજ્યની આર્થિક નીતિઓની સમીક્ષા કરીશું.

ગુજરાતમાં MSMEsની સ્થિતિ

ગુજરાતમાં MSMEsની સંખ્યા 35 લાખથી વધુ છે, જે રાજ્યના કુલ ઔદ્યોગિક આઉટપુટમાં 14% યોગદાન આપે છે. આ ઉદ્યોગો રોજગારીના મોટા સ્રોત છે અને ગ્રામીણ અનેશહેરી  વિસ્તારોમાં આર્થિક સ્થિરતા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ, હાલના સમયમાં આ ઉદ્યોગોને મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં જુલાઈ 2020થી નવેમ્બર 2024 સુધીમાં 5,974 MSMEs બંધ થયા છે. જેમાં ગુજરાત એ મહારાષ્ટ્ર અને તમિલનાડુ પછી ત્રીજા ક્રમે છે. આ બંધ થયેલા ઉદ્યોગોમાં મુખ્યત્વે ટેક્સટાઇલ અને કેમિકલ સેક્ટરનો સમાવેશ થાય છે, જે ગુજરાતના મુખ્ય ઉદ્યોગો ગણવાના રહે છે..

ફક્ત મોટા કોર્પોરેટસ અને વિદેશી કંપનીઓને પ્રોત્સાહન

ગુજરાત સરકારે મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અનેક નીતિઓ અને યોજનાઓ ઘડી છે. 2020-25ની ઔદ્યોગિક નીતિમાં મોટા ઉદ્યોગોને મળતા પ્રોત્સાહનોમાં કેપિટલ સબસિડી, ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં છૂટ, અને ફોરેન ટેક્નોલોજીના અધિગ્રહણ અને જમીન સંપાદન માટેની સહાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજ્યમાં સેમિકન્ડક્ટર, ઓટોમોબાઇલ, અને ફાર્માસ્યુટિકલ જેવા સેક્ટર્સમાં મોટા પાયે રોકાણ થયું છે. ઉદાહરણ તરીકે, માઇક્રોન ટેક્નોલોજીનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાણંદમાં સ્થાપવામાં આવ્યો છે, જેમાં $2.75 બિલિયનનું રોકાણ થયું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 2003માં થઈ હતી અને તે દર બે વર્ષે યોજાય છે. 2024માં 10મી સમિટ યોજાઈ હતી. કોરોના મહામારીને કારણે 2022ની સમિટ મોકૂફ રાખવામાં આવી હતી. આજ સુધીમાં સુધીમાં કુલ 10 સમિટ યોજાઈ છે. પણ અમદાવાદને બાદ કરતા નવા ક્યાં ઉદ્યોગો અન્ય જિલ્લાઓમાં શરુ થયા એની જાહેરાતો જોવામાં આવી નથી!

 MSMEs માટે અપૂરતા પ્રોત્સાહન

મોટા ઉદ્યોગોને મળતા પ્રોત્સાહનોની તુલનામાં MSMEsને મળતા પ્રોત્સાહનો અપૂરતા છે. 2025ના બજેટમાં MSMEs માટે કેટલીક યોજનાઓ જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેમને વ્યવહારિક રાહત મળી નથી. ઉદાહરણ તરીકે, ક્રેડિટ ગેરંટી લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ ઘણા MSMEsને બેંકિંગ સુવિધાઓનો અભાવ હોવાથી આ લાભોનો ઉપયોગ કરી શકાયો નથી. આ ઉપરાંત, નવા કાયદા મુજબ MSMEsને 45 દિવસમાં ચૂકવણી કરવાની જરૂરિયાતને કારણે મોટા ઉદ્યોગો સાથેનો વ્યવહાર મુશ્કેલ બન્યો છે.

ટેક્નોલોજી અને કૌશલ્યની વચ્ચે અંતર ક્યાં કારણે??

MSMEsને ટેક્નોલોજી અને કૌશલ્ય વિકાસમાં પણ મોટી ખાઈનો સામનો કરવો પડે છે. ગુજરાત સરકારે ટેક્નોલોજી અપગ્રેડેશન અને કૌશલ્ય વિકાસ માટે યોજનાઓ ઘડી છે, પરંતુ તેમનો અમલ અસરકારક રીતે થયો નથી. ઘણા  MSMEs જૂની ટેક્નોલોજી અને નિમ્ન કૌશલ્ય સાથે કામ કરી રહ્યા છે, જે તેમની સ્પર્ધાત્મકતાને પ્રભાવિત કરે છે. મોટાભાગના MSME ઉદ્યોગ કરનારના નાણા મોંઘી જમીનની કિંમતોમાં રોકાય જાય છે જેથી ટેકનોલોજી અપગ્રેડ કરવામાં નાણા રોકવા અસમર્થ હોય છે. આપણા ગુજરાતના MSME ઉધોગપતિઓ વૈશ્વિક સ્તરે ટક્કર લઇ શકે એમ છે પણ તેમની મુશ્કેલીઓ ‘સિસ્ટમ’ છે જેને વિદેશી કંપનીઓ અને મોટા કોર્પોરેટ્સ જ ‘ભેદી’ શકે છે સામાન્ય ઉદ્યોગપતિઓ જાતજાતની ‘સિસ્ટમ’ની બદીઓની ઝાળમાં ફસાતો રહે છે જેનો અવાજ આજે પણ બહાર આવતો નથી! છેલ્લે 2015  પછીની વાયબ્રન્ટ ગુજરાતસમિટના આંકડા સરકારે જાહેર કર્યા નથી!

ગુજરાતની આર્થિક નીતિઓ ફક્ત મોટા કોર્પોરેટ્સ અને વિદેશી કંપનીઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે, જ્યારે MSMEsને અવગણવામાં આવે છે. આ અસમાનતા રાજ્યના સમગ્ર વિકાસને પ્રભાવિત કરી શકે છે. MSMEs ગુજરાતના આર્થિક તંત્રનો મહત્વપૂર્ણ ભાગ છે, અને તેમના વિકાસ વિના “વાયબ્રન્ટ ગુજરાત”નું સપનું સાકાર થઈ શકે નહીં.જોકે આ સપનું તકલાદી જણાયું છે. રાજ્ય સરકારે MSMEs માટે વધુ પ્રભાવી નીતિઓ અને યોજનાઓ ઘડવાની જરૂર છે, જેથી આ ઉદ્યોગો સ્પર્ધાત્મક અને ટકાઉ બની શકે. ‘વાયબ્રન્ટ ગુજરાત’ના આટલા વર્ષો પછી પણ પોરબંદર,અમરેલી,સુરેન્દ્રનગર જેવા ઘણા જિલ્લાઓમાં આજ સુધી કોઈ મોટા ઉદ્યોગ શરુ થયા નથી.પણ વિદેશી અને મોટા કોર્પોરેટ્સ અમદાવાદ અને કચ્છ જેવા વિસ્તાર આસપાસ જ તેમના ઉદ્યોગો સ્થાપ્યા છે. “વાયબ્રન્ટ ગુજરાત” અમદાવાદ અને કચ્છ પૂરતું ‘ફોકસ’ હોવાનું દેખાય આવે છે જેમાં મોટા એક બે મોટા કોર્પોરેટ્સ દેખાશે! આપણા MSME ઉદ્યોગ ક્યાં જિલ્લામાં અને એમ,ઓ,યુ.સાઈન કરેલા ઉદ્યોગો કેટલા શરુ થયા? આનો જવાબ મળી શકે એમ નથી!   

              ગુજરાતમાં વિપક્ષી વર્ષોથી માગ કરતા રહ્યા છે કે રાજ્ય સરકાર એક શ્વેતપત્ર બહાર પાડે કે ઇવેન્ટ માટે કરેલો ખર્ચ, સહી કરેલા એમઓયુ અને તેના રોકાણની વિગત, તેમાંથી કેટલા પ્રોજેક્ટ ધરાતળ પર કાર્યરત્ છે? કેટલી રોજગારી મળી? આ તમામ વિગતો હોય. જેથી લોકોને ખબર પડે કે ખરેખર આનાથી લોકોને ફાયદો થયો છે કે કોઈ એક બે વ્યક્તિને એક બે મોટા કોર્પોરેટ્સને?” ગુજરાતના સરકારી જમીનો સસ્તા દરે મોટા કોર્પોરેટ્સને આસાનીથી જેમ મળે છે એમ MSME ઉદ્યોગપતિને સરકારી જમીન એ રીતે મળે છે? ના! નથી મળતી! સરકારે એક વાત સમજવી પડશે કે MSME ઉદ્યોગપતિ જેટલી નોકરીઓ સર્જે છે એ વિદેશના કોર્પોરેટ્સ કે અહીના મોટા કોર્પોરેટ્સ ક્યારેય સર્જન નહિ કરે. રાજકોટ જિલ્લાના જ લોધિકા જી.આઈ.ડી.સી. અને શાપર વેરાવળ ઝોનની વાત કરો તો આ ઔદ્યોગિક ઝોનના ઉદ્યોગપતિઓએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી આપી છે. ‘મેઇક ઇન ઇન્ડિયા’ જેવા સરકારી નારાઓ માટે MSME ઉદ્યોગો માટે સરકાર લાલ જાજમ કેમ બિછાવતી નથી?? ‘મેઇક ઇન ઇન્ડિયા’ જો સફળ થયું હોય તો ગુજરાતના ઉદ્યોગપતિઓમાં એ કૌશલ્ય અને તાકાત હતી કે ચીન પાસેથી આયાતમાં બહુ ઘટાડો આવ્યો હોત પણ ચીનની આયાતો આ દેશમાં વધતી રહી છે જેનો ભોગ દેશનું MSMEs સેક્ટર બની ગયું હોવાનો મત મોટાભાગના MSME ઉદ્યોગપતિઓ વ્યક્ત કરી રહ્યા છે!

જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે એક વાત કરેલી ‘સચ્ચાઈ ગુજરાત કી’ નામના તેમના પુસ્તકમાં તેમણે વિવિધ આંકડાઓના આધારે એવું કહ્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાતને કારણે ગુજરાતને ફાયદો નહીં પરંતુ નુકસાન થયું છે.

“1980 થી 1995 સુધી દેશની જીડીપી (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડ્યુસ) કરતાં ગુજરાત રાજ્યની સ્ટેટ ડૉમેસ્ટિક પ્રોડ્યુસ (એસડીપી) બમણી હતી. એટલે કે જ્યારે ભારતની જીડીપી 5.5 ટકા હતી ત્યારે ગુજરાતની એસડીપી 10 ટકા કરતાં પણ વધારે હતી. ભારત અને ગુજરાતના ડૉમેસ્ટિક પ્રોડ્યુસમાં અંતર ખૂબ વધારે હતું, પરંતુ 2001 પછી આ અંતર ઘટતું ગયું એટલે કે ગુજરાતની એસડીપી ઘટતી ગઈ અને જે એસડીપી એક સમયે રાષ્ટ્રીય GDP કરતાં બમણી હતી તે માત્ર 2 કે 3 ટકા જેટલી જ વધારે રહી છે.”

                 ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિવિધ આંકડાઓને ટાંકીને તેમના પુસ્તકમાં તેઓ લખે છે, “1992 થી 2008 સુધીનાં 16 વર્ષના સમયગાળામાં ભારત સરકાર પ્રમાણે 1,424 નવા પ્રોજેક્ટ શરૂ થયા. જેમાં 79,396 કરોડનું રોકાણ થયું છે. જ્યારે 2003, 2005, અને 2007ની ત્રણ વીજીજીઆઇએસનું કુલ રોકાણ રૂપિયા 1.74 લાખ કરોડનું બતાવવામાં આવ્યું છે.તેમણે કહ્યું હતું કે  “એક અર્થશાસ્ત્રી તરીકે હું માનું છું કે જે કહેવામાં આવે છે અને જે આંકડા કહી રહ્યા છે તેમાં ખૂબ મોટો ફરક છે.”
ભારતમાં વધતી જતી બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે પણ વાયબ્રન્ટ ગુજરાત MSME ને સમર્પિત રહે અને એ પણ ખરા અર્થમાં તો ગુજરાતને ફાયદાકારક છે!
———————————————————————————-
નોંધ: દરેક ઔદ્યોગિક-વ્યાપારી એસોસિએશનો,મંડળો,કંપનીઓ, વિદ્યાર્થીઓ અમને તેમના પ્રશ્નો કે બિઝનેસ અને ઉદ્યોગ વિષયક સમાચાર/લેખો અમને મોકલી શકો છો.એડવર્ટાઈઝમેન્ટ માટે સંપર્ક: +91 9924240334  અથવા તમામ માહિતી સાથે Contact Us પર જઈને ઈ-મેઈલ કરો.

Free register your company in GUJARAT BUSINESS DIRECTORY

સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ એવોર્ડ- 2025(દ્વિતિય) નોમીનેશન ચાલુ થઇ ગયું છે તો વિઝીટ કરો: