ગ્લેનમાર્કની દવા ગરીબો માટે મોંઘી: રેગ્યુલેટર

0
356


નવી દિલ્હી: ભારતીય દવા ઉદ્યોગના નિયમનકારે મુંબઈ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ગ્લેનમાર્કની ભાવનીતિની આકરી ટીકા કરી છે. તેણે કહ્યું કે ગ્લેનમાર્ક કોવિડ-19ની દવા ફેબિફ્લુ (ફેવિપિરાવિર) ઊંચા ભાવે વેચે છે જે ભારતના ચોક્કસ વર્ગના લોકોના હિતમાં નથી. ભારતમાં ડ્રગ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ જૂનમાં કોવિડ-19ની દવા માટે મંજૂરી આપી હતી.

દવાના ભાવ વિષે એક સાંસદે કરેલી ફરિયાદના પગલે કંપનીને પત્ર લખવામાં આવ્યો છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ (ઇન્ડિયા) વી જી સોમાણીએ 17જુલાઈના પત્રમાં આ વિશે આવશ્યક પગલાં લેવા માટે સ્પષ્ટતા માંગી છે. સાંસદની માંગણી છે કે કંપનીએ ફેબિફ્લુ 200 એમજીના ભાવની સમીક્ષા કરવી જોઈએ જેથી સામાન્ય વર્ગના લોકોને પણ આ દવા ખરીદી શકે

જોકે, સાંસદે એવો આરોપ પણ મૂક્યો હતો કે કંપની લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. આ બાબતનો ઉલ્લેખ કરીને સોમાણીએ પત્રમાં જણાવ્યું હતું કે, “રજૂઆતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગ્લેનમાર્કના દાવા પ્રમાણે આ દવા હાઇપરટેન્શન, ડાયાબિટીસ જેવી કોમોર્બિડ સ્થિતિ માટે અસરકારક છે. જ્યારે પ્રોટોકોલની સમરી અનુસાર કોમોર્બિડ પરિસ્થિતિમાં ફેબિફ્લુની ચકાસણી કરવા માટે ટ્રાયલ કરવામાં આવ્યા ન હતા.”

પત્રમાં જણાવાયું હતું કે, “આ તમામ હકારાત્મક વલણ, ઝડપી પ્રક્રિયા, ડીજીસીઆઇ, આરોગ્યમંત્રાલય અને સંબંધિત એફડીએ વિભાગના પ્રયાસો પછી ગ્લેનમાર્ક દ્વારા જે ભાવ મૂકવામાં આવ્યો છે તે ગરીબો, નીચલા મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના હિતમાં નથી.” ગ્લેનમાર્કે આ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. રજૂઆતમાં જણાવાયું હતું કે કંપની પ્રેક્ટિશનર્સને ગેરમાર્ગે દોરે છે.

માહિતી મૂજબ “સીટીઆરઆઇની વેબસાઇટ પર અપાયેલી પ્રોટોકોલ સમરી પ્રમાણે ફેબિફ્લુની હળવા કે મધ્યમ દર્દી પર મધરથેરેપી (માત્ર ફેબિફ્લુ) તરીકે ચકાસણી થઈ ન હતી. તેને પસંદગીના ક્લિનિકલ સ્ટેબલ કોવિડ દર્દીઓને આઇસીએમઆર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ન્ડડ પ્રોટોકોલ ટ્રીટમેન્ટ સાથે આપવામાં આવી હતી. આ ઉપરાંત 94% Spo2 ધરાવતા દર્દીઓને પણ ટ્રાયલથી બાકાત રાખવામાં આવ્યા હતા.”

“આ ડેટા દર્શાવે છે કે હળવાં કે મધ્યમ લક્ષણ ધરાવતા દર્દીમાં ફેબિફ્લુ એકલી અસરકારક છે એવા ગ્લેનમાર્ક દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવેલા દાવા તથા મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રકાશિત થયેલા દાવા ભારતના ડોક્ટરો અને લોકોને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારા છે.” અહીં નોંધવું જરૂરી છે કે ગ્લેનમાર્કે દ્વારા ગયા સપ્તાહમાં દવાના ભાવમાં ઘટાડો કર્યો હતો.

નોંધ:ફોટોગ્રાફ્ પ્રતિકાત્મક છે.