મિની લોકડાઉનથી બેન્કો, NBFCsની રિકવરી મંદ પડી

0
269



મુંબઈ: કેટલાંક રાજ્યોએ લાગુ કરેલા મિની લોકડાઉનને કારણે ભારતીય બેન્કો અને નોન-બેન્કિંગ

ફાઇનાન્સ કંપનીઓમાં જુલાઈ મહિનામાં વૃદ્ધિમાં અણધાર્યો ઘટાડો જોવા મળ્યો છે. કોવિડ-19ના કેસમાં નવેસરથી વૃદ્ધિને કારણે ચાલુ મહિને મોટા ભાગની કંપનીઓનાં ધિરાણ અને ટ્રાન્ઝેક્શન્સમાં ઘટાડો નોંધાયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિમાં રિકવરીનો સંકેત હતો. જોકે, ત્યાં પણ વૃદ્ધિ મંદ પડી છે. મોટા ભાગના ધિરાણકારોને રિકવરી મંદ રહેવાનો અંદાજ છે. કોટક મહિન્દ્રા બેન્કના જોઇન્ટ એમડી દીપક ગુપ્તાએ જણાવ્યું હતું કે, “જૂનમાં અર્થતંત્ર ઝડપથી રિકવર થઈ રહ્યું હોવાનો અંદાજ હતો. જોકે, જુલાઈના પ્રારંભિક હિસ્સામાં વૃદ્ધિ મંદ પડી હતી. એનો અર્થ એ થયો કે, સ્થિતિ સતત બદલાઈ રહી છે.”

ભારતમાં 25 માર્ચે લોકડાઉન શરૂ થયું હતું. મેમાં લોકડાઉન હળવું કરવાની શરૂઆત થઈ હતી. તેને લીધે માંગમાં સુધારો નોંધાયો હતો. જોકે, કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસમાં નવેસરથી વૃદ્ધિને કારણે ફરી સ્થાનિક સ્તરે શટડાઉન કર્યું હતું. ગુપ્તાએ જણાવ્યું હતું કે, “મહામારી ક્યારે અટકશે તેનો કોઈ અંદાજ નથી. આપણે અત્યારે એવા તબક્કામાં છીએ જ્યાં કોરોના છ મહિનાથી વધુ ચાલુ રહી શકે. એટલે અમે થોડા સમય માટે મોટા પાયે ધિરાણ નહીં કરવાની તરફેણમાં છીએ.”

રેટિંગ એજન્સી ICRAએ ભારત માટે 2020-’21નો GDPનો અંદાજ અગાઉના -5 ટકાથી ઘટાડી -9.5 ટકા કર્યો છે. જેનું મુખ્ય કારણ લોકડાઉન હળવું થયા પછી અમુક રાજ્યોએ ફરી લાગુ કરેલું લોકડાઉન છે. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, આસામ અને અરુણાચલપ્રદેશે જુદીજુદી મુદત માટે મિની લોકડાઉનની જાહેરાત કરી છે.

પૂણે અને બેંગલુરુ પણ અમુક સમય માટે બંધ રહ્યા હતા.મેગ્મા હાઉસિંગ ફાઇનાન્સના એમડી મનીષ જયસ્વાલે જણાવ્યું હતું કે, “કોવિડને ધ્યાનમાં રાખીને વિવિધ બિઝનેસ ધીમેધીમે સ્થિર થઈ રહ્યા છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR), ગુજરાતના કેટલાક ભાગ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુમાં સ્થિતિ વધુ ગંભીર છે.”

ETએ તાજેતરમાં જણાવ્યું હતું કે, કોઈ ચેતવણી વગર રાજ્યો દ્વારા લાગુ કરાયેલા લોકડાઉનથી કેન્દ્ર સરકારના નીતિ ઘડવૈયા ચિંતિત બન્યા છે. કારણ કે તેના લીધે છેલ્લા કેટલાક સમયમાં નોંધાયેલી રિકવરી ધોવાઈ જવાની શક્યતા છે. ફિનો પેમેન્ટ્સ બેન્કના એમડી રિશી ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અણધાર્યા મિની લોકડાઉનથી અર્થતંત્ર પર દબાણ વધ્યું છે. જૂનની તુલનામાં જુલાઈમાં વૃદ્ધિ મંદ રહી છે.”

CIIના ડિરેક્ટર જનરલ ચંદ્રજિત બેનરજીએ જણાવ્યું હતું કે, “મિની લોકડાઉનને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા ટાળવી જોઈએ. પ્રારંભિક તબક્કાની રિકવરી ટકી રહે એ માટે અનિશ્ચિતતા દૂર કરવી જરૂરી છે.”