નવી દિલ્હી, તા. 3 મેં
ચીનમાં કોરોનાના કેસોમાં થઈ રહેલો સતત વધારો અને તેના વધુ વિસ્તારોમાં શાંઘાઈ જેવાં નિયંત્રણો લાગુ થવાની શક્યતાથી ખનિજ લોખંડના આંતરરાષ્ટ્રીય ભાવમાં દશેક ટકા સુધીનો ઘટાડો થયો છે. સ્થાનિક બજારમાં જોકે ભાવ ટકેલા રહ્યા છે અને ઘટાડો આવતાં બેથી ત્રણ સપ્તાહનો સમય લાગી શકે એમ બજારનાં સૂત્રોએ જણાવ્યું હતું.
ચીનમાં 62 ટકા લોહતત્ત્વ ધરાવતી કાચી ધાતુના ભાવ ટન દીઠ 15 ડૉલર (10 ટકા) ઘટીને 135 ડૉલર થયા છે. ચીનના ડાલિયાં કોમોડિટી એક્ષ્ચેન્જ પર ખનિજ લોખંડ સપ્ટેમ્બર વાયદો 10.7 ટકા ઘટીને 795 યુઆન (121.36 ડૉલર) બંધ રહ્યો હતો, જે માર્ચ 23 પછીની સૌથી નીચી સપાટી છે.સ્થાનિક બજારમાં ઓડિશા મિનરલ કૉર્પોરેશનના લિલામમાં ખનિજ લોખંડના ભાવ સાપ્તાહિક ધોરણે રૂા. 200-300નો વધારો થયો હતો. 62 ટકા ખનિજ લોખંડનો ભાવ રૂા. 6100-6200 અને 63 ટકા ખનિજ લોખંડનો ભાવ રૂા. 6400-6500 (રોયલ્ટી અને અન્ય લાગતો સહિત) થયો હતો.
ભારતમાં ખનિજ લોખંડના ભાવ પેલેટ અને સ્પોન્જ આયર્નના ભાવથી દોરવાય છે. સેમી ફિનિશ્ડ ચીજો અને સ્પોન્જ આયર્ન બંનેના ભાવ ઊંચા હોવાથી ખનિજ લોખંડના ભાવ પણ વધ્યા હતા એમ વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.
“ભારતમાં પ્રત્યાઘાતી ઘટાડો આવતાં બેથી ત્રણ સપ્તાહનો સમય લાગે છે. ઓએમસી અને એનએમડીસી ભાવ ઘટાડો જાહેર કરતા પહેલાં થોડો વખત પરિસ્થિતિ પર નજર રાખે છે. તેથી જો વિદેશમાં ભાવ વધુ ઘટે તો અહીં પણ ભાવ તરત ઘટવાનો સંભવ છે.” એમ જિંદાલ સ્ટીલ ઍન્ડ પાવરના મૅનેજિંગ ડિરેક્ટર વીઆર શર્માએ કહ્યું હતું.તેમણે કહ્યું કે ભારત ખનિજ લોખંડની આયાત કરતું નથી એટલે આંતરરાષ્ટ્રીય બજારની અફરાતફરીથી થોડું અળગું રહે છે. પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતા જતા હોય ત્યારે વપરાશકાર ઉદ્યોગ વધુ પડતો ભાવ ફરક ચલાવી નહીં લે.
“ભારતમાં સ્ટીલની માગ ટકેલી છે અને નિકાસ વધી રહી છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ખનિજ લોખંડના ભાવ વધુ ઘટે તો અહીં પણ તે ઘટાડવા માટે સબળ કારણ છે. તેથી સ્થાનિક ભાવમાં ટન દીઠ રૂા. 500થી રૂા. 1000નો ઘટાડો શક્ય છે,” એમ શર્માએ કહ્યું હતું. એનએમડીસી દ્વારા ઠરાવાતા ભાવ સામાન્ય રીતે રૂા. 500ના ગુણાકારમાં હોય છે.