કાચા માલના તીવ્ર ભાવવધારાથી જેતપુરના સાડી ઉદ્યોગ પર સંકટ!

0
96

રાજકોટ,જેતપુર,તા.3 મેં

અમારા પ્રતિનિધિ તરફથી’

જેતપુરના સાડી ઉદ્યોગમાં વપરાતા કોટન તથા કાચા માલના ભાવમાં અસહ્ય વધારાના લીધે ઉદ્યોગના અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે. આ મુદ્દે કેન્દ્રીયસ્તરે રજૂઆત થાય તે હેતુથી ડાઇંગ-પ્રિન્ટીંગ એસોસીએશન દ્વારા ભાજપ પ્રદેશ અદ્યક્ષ સી.આર. પાટીલને રજૂઆત કરવામાં આવી છે..

એશોસીએશનનાં પ્રમુખ જયંતિભાઈ રામોલીયા, સેક્રેટરી ચેતનભાઈ જોગી અને કારોબારી સભ્યો રૂબરૂ મુલાકાતે ગયા હતા. આ મુલાકાતમાં સાડી ઉધોગમાં આવતા ગ્રે- વ્હાઇટ કાપડમાં સતત ભાવ વધારો તેમજ તેમાં ઉપયોગમાં આવતા કલર-કેમિકલ્સમાં તથા કાચા માલના ભાવમાં ખૂબ વધારો થવાથી સાડી ઉદ્યોગ ભયંકર મંદીમાં સપડાય રહ્યો હોવાના  મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અત્યારે ઉત્પાદન મોંઘું પડી રહ્યું છે અને તૈયાર પ્રોડક્ટમાં ભાવવધારો કરવામાં આવે તો તે બજારમાં ચાલતી નથી પરિણામે ઉત્પાદકો મુશ્કેલીમાં આવી ગયા છે.

જેતપુર સાડી ઉદ્યોગ સ્થાનિક તેમજ  પરપ્રાંતીય લાખો મજૂરોને રોજીરોટી પુરી પાડે છે, પરંતુ વર્તમાનમાં અસહ્ય ભાવ વધારાના કારણે પ્રિન્ટીંગનું કામકાજ સાવ બંધ હાલતમાં પડતા સાડી ઉદ્યોગ એકમો ચલાવવા મુશ્કેલ બની રહ્યા છે. સાડી ઉદ્યોગ માટે સરકાર કોઇ ખાસ પેકેજ કે પ્રોત્સાહન જાહેર કરે તેવી માગણી કરવામાં આવી છે.

ડાઇંગ એસો.ના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ જમાવ્યું હતું કે,’ સાડી ઉદ્યોગમાં મંદીએ છેલ્લા ચાર માસથી ખૂબ જ મોટા પ્રમાણમાં ભરડો લઈ લીધો છે. જેતપુરમાં સાડી પ્રિન્ટિગના 1500 કારખાનાઓ આવેલા છે. જેમનું વાર્ષિક રૂ. 3000 કરોડનું ટર્નઓવર અગાઉ થતું હતુ. હવે તે ઘટી ગયું છે. જે  50,000 લોકોને સીધી રોજીરોટી પુરી પાડે છે.’ જ્યારે કુલ ત્રણેક લાખ લોકો આ બિઝનેસ પર આડકતરી રીતે નભે છે.”ઉદ્યોગકારોને છેલ્લા ચાર માસથી ભાડું, લોન, સીસી, બેન્કના હપ્તા ભરવા માટે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલની પરિસ્થિતિ જળવાઇ રહે તો અનેક એકમોને તાળાં મારવા પડે એવી સ્થિતિનું નિર્માણ થશે.’