મગફળીની સિઝન જામી પણ સીંગતેલના ભાવ ઊંચા!!!
સૌરાષ્ટ્રમાં 200 તેલ મિલો છતાં શરૂ થઇ છે માત્ર 80-90
(રાજકોટ પ્રતિનિધિ તરફથી)
મગફળીની આવકની સીઝન જામવા લાગતા સીંગતેલ બનાવતી મિલો ફટાફટ શરૂ તો થવા લાગી છે પણ ઉત્પાદન આર્થિક રીતે પરવડતું ન હોય સૌરાષ્ટ્રની હજુ પચ્ચાસેક ટકા જેટલી મિલો પીલાણ માટે રાહ જોઇ રહી છે. મગફળીના ભાવ ઊંચા છે, સીંગતેલ હાલમાં ઘટી ગયું છે અને ખોળનો ભાવ ઊંચકાતો નહીં હોવાથી તેલ મિલો વર્તમાન સમયે માંડ માંડ પડતર બેસાડી રહી હોવાનું સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ ઍસોસિયેશને કહ્યું છે.’
સૌરાષ્ટ્રભરમાં સીંગતેલનું ઉત્પાદન કરનારી આશરે 200 જેટલી મિલો છે. એમાંથી આશરે 80-90 જેટલી મિલોમાં મગફળીનું પીલાણ શરૂ થયું છે, બાકીની મિલો પડતર બેસાડવામાં મશગૂલ છે તેમ સોમાના પ્રમુખ કિશોર વિરડીયાએ કહ્યું હતું. તેમના કહેવા પ્રમાણે ફોરવર્ડમાં નિકાસ કે લોકલ બજારમાં તેલ વેંચ્યું હોય એવા મિલરોએ ઉત્પાદન ચાલુ કરેલું હતું પણ ડિસ્પેરિટીને લીધે પોસાણ થતું નથી. મગફળીના ભાવ ઊંચા છે, ભાવ ઘટે તો ખેડૂતોની વેચવાલી આવશે નહીં. આમ મિલો સંકટમાં મૂકાઇ છે. મગફળીની આવક સૌરાષ્ટ્રમાં સરેરાશ દોઢેક લાખ ગુણી જેટલી થાય છે. આવકો અપેક્ષા કરતા ઓછી છે. યાર્ડમાં આવતો પુરવઠો મિલોને પૂરો પડે તેમ નથી કારણકે એમાંથી દાણાવાળા પણ ખરીદી જાય છે. વળી, મગફળીના ભાવ મિલ ડિલિવરીમાં રૂા. 1220-1325 સુધી ચાલે છે. ખોળનો ભાવ રૂા. 32500એ છે. બધો હિસાબ માંડતા મિલોને પડતર બેસાડવામાં કઠિનાઇનો સામનો કરવો પડે છે.’
અગ્રણી તેલ મિલર સમીર શાહનું કહેવું છેકે, ખોળના ભાવ વધે તો મિલોને થોડી કમાણી થાય અને બધાના ધંધા વ્યવસ્થિત થઇ જાય, હાલ આર્થિક તંગી પડે છે. ગોંડલ વિસ્તારની મિલો ચલાવવામાં સમસ્યા થાય છે. જામનગરમાં પણ સારું તેલ બનતું હોયછે એટલે ત્યાંની મિલો પણ કટકે કટકે ચલાવાય છે. ઉપલેટા, જામઝોધપુર, અમરેલી અને જૂનાગઢ વિસ્તારની તેલ મિલો અત્યારે વધારે સંખ્યામાં ચાલુ હોવાનું તેમણે કહ્યું હતું.’
મગફળીનું ઉત્પાદન ચાલુ વર્ષે આરંભે 28-30 લાખ ટન થશે એવો અંદાજ મૂકાતો હતો પરંતુ આવકોનો વેગ જે ઢબે થઇ રહ્યો છે એ જોતા અંદાજોમાં અત્યારથી ફેરફારો થવા માંડ્યા છે. હવે 24-25 લાખ ટન આસપાસ મગફળી પાકશે એવું સૌ ધારવા લાગ્યા છે.’ મગફળીનો ભાવ ટેકા કરતા ઊંચો ચાલી રહ્યો છે એટલે ખેડૂતોને ફાયદો છે. સરકારી ખરીદ કેન્દ્રો પર જવા ખેડૂતો રાજી નથી.’
સૌરાષ્ટ્રમાં બનતા સીંગતેલની લોકલ માગ ઓછી હોવાનું તેલ મિલરો કહે છે. અત્યારે બનતા તેલમાં દક્ષિણ ભારત અને મધ્યપ્રદેશના કામકાજ થઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના લોકો ડિસેમ્બર પહેલા મોસમી ખરીદી કરવાની માનસિકતા ધરાવતા નથી એટલે માગ ઓછી છે. સીંગતેલની ચીનમાં નિકાસ માટે 15 અૉક્ટોબર સુધી ડિલિવરીના થોડાં કામકાજ થયા હતા. એ માલ રવાના થઇ ગયા પછી હવે માગ સાવ ઓછી છે. આપણાં સીંગતેલની અૉફર 1950 ડૉલરની છે પણ લેવાલ હવે રાજી નથી.