લોધિકા નવા સર્વે નંબર ૫૬૩ની ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે માપણી કરી લોધિકા ગૌચરની જમીનનો કબજો કરી પચાવી પાડવાનું સનસનાટીભર્યું કૌભાંડ!
મોટા અધિકારીઓ અને સરકારી તંત્રની મિલીભગતને ઉજાગર કરતું લોધિકાનું સૌથી મોટું જમીન કૌભાંડ!
લોધિકા પ્રેસ ઓફિસ દ્વારા
રાજકોટ જિલ્લાનું લોધિકા ગામ અને તાલુકો વર્તમાનમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપથી વિકસી રહ્યું છે ત્યારે ખેતીની જમીનોનો ભાવ પ્રત્યેક એકર દીઠ ૧. કરોડથી ૨.૭૫ કરોડ સુધી બજારભાવ થઇ ગયો આ જ મોકાનો લાભ લઇ લોધીકા વિસ્તારમાં રહેણાંક અને ખેતીની જમીનમાં ભૂમાફિયા અને સરકારી તંત્રની સાંઠગાંઠ દ્વારા સરકારી જમીનો,ખરાબા અને ગૌચરની જમીનો પર પેશકદમી કરી માલિકી કરી લેવાના બનાવો વધી રહ્યા છે ત્યારે આવા જ એક મસમોટા ભ્રષ્ટાચારને ઉજાગર કરતા એક બનાવે સમગ્ર લોધિકા ગામ અને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સને પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર ઘટનાની વિગત એવી છે કે લોધિકા નવા સર્વે નંબર ૫૬૩ની ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે માપણી કરી ગૌચરની જમીનનો કબજો કરવા તેમજ ગૌચરની જમીન કમી કરી જમીન કૌભાંડ કરી ગૌચરની જમીન પચાવી પાડવા અંગેની વેચાણ નોંધ નં.૭૦૨૪ સામે કમલેશ મૂળુભાઈ વરુ, અજય ગિરધાર બાલધા, મુકેશ ગોરધનભાઈ તોગડિયા, કૌશિક પ્રેમજી કમાણી નામના ચાર શખ્શો વિરુદ્ધ લોધિકા મામલતદાર કોર્ટમાં લોધિકા ગ્રામ પંચાયત સરપંચ,તલાટી કમ મંત્રી,લોધિકા ગ્રામપંચાયતના સભ્યો તેમજ લોધિકા ગામના આગેવાનો અને જાગૃત નાગરિકો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ લેખિત ફરિયાદમાં લોધિકા ગ્રામ પંચાયતના જ ત્રણ સદસ્યોએ કોઈ અજ્ઞાત કારણોસર સહીઓ કરેલ નથી. લોધિકાના વિવિધ સમાજના આગેવાનોના મત અનૂસાર આ ત્રણે સભ્યો લોધિકા ગામના ગૌચરની પેશકદમી બાબતેની ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા જ ફરિયાદ હોવા છતાં આ ત્રણ સભ્યો શા માટે આ ફરિયાદમાં સહીઓ કરતા નથી એ મુદ્દો જ તેમની ભૂમિકા અંગે શંકા પેદા કરાવે છે એવું લોક્મૂખે ચર્ચાઈ રહ્યું છે.
ફરિયાદ અનૂસાર લોધિકાના તાલુકાના લોધિકા ગામે સર્વે નંબર ૫૬૩ની સરકારી ગૌચરની જમીન થોરડી ગામના સીમાડે આવેલ છે જે જમીન કોઈ પણ જાતના આધાર પૂરાવા વિના સર્વેયર તેમજ જમીન દફતરના ઉચ્ચ અધિકારી મારફત લાંચ આપી સ્થળ પર કોઈ પણ પ્રકારનો કબજો ન હોવા છતાં સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માપણી કરી સીટ બેસાડી સરકારી ગૌચરની જમીન પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવતા સનસનાટી ફેલાય ગઈ છે. આવડું મોટું કૌભાંડ સરકારી તંત્રો અને ઉચ્ચ અધિકારીઓની મિલીભગત વગર આવડા મોટા સ્કેલ પર થવું શક્ય ન હોય સમગ્ર પથંકમાં મસમોટા જમીન કૌભાંડની ચર્ચાઓ લોક્મૂખે ચર્ચા થવા લાગી છે. આ ફરિયાદ પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય, જિલ્લા કલેકટર,રાજકોટ, લેન્ડ રેકર્ડ, નાયબ નિયામક કચેરી,સેટલમેન્ટ કમીશન અને તાલુકા વિકાસ અધિકારી લોધિકા, જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ એમ વિવિધ ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવી છે.
ગૌચરની જમીન પર પેશકદમી સમગ્ર કાયદા અને પ્રક્રિયામાંથી પસાર થઇ ગઈ હોવા છતાં વિવિધ સ્તરે કોઈ પણ અધિકારી કે સરકારી તંત્ર દ્વારા આ મામલો ધ્યાને આવ્યો નહિ એ બાબત સામાન્ય નથી પણ આ કૌભાંડમાં મોટા અધિકારીઓની મિલીભગત હોવાની શક્યતા જણાય રહી છે! આ બાબતે ઉચ્ચસ્તરીય તપાસ થાય તો મોટા અધિકારીઓ પણ જવાબદાર ઠરે એમ છે, ગૌચર અને ખરાબાની જમીનો પર ખાનગી સ્તરે કબજો કરી એને વેચી નાખવાના બનાવો ગુજરાતમાં છાશવારે બને છે હીરાસર આંતરરાષ્ટ્રિય એરપોર્ટ બનાવવાની જાહેરાત થયેલી એ સમયે ગુજરાતના સૌથી મોટા ત્રણ જમીન કૌભાંડ બહાર આવેલા જેમાં રૂ.350થી 400 કરોડના જમીન કૌભાંડમાં ચોટીલાના તત્કાલીન મામલતદાર પી. આર. જાની તત્કાલીન પ્રાંત અધિકારી ડી.એચ.ત્રિવેદીની સામેલગીરી બહાર આવેલી ઉપરાંત સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર એમ. બી. પટેલની સામે ફરિયાદ થઈ હતી ખેતીની જમીનોમાં પેશકદમી કે કાયદાઓનું ખોટું અર્થઘટન કરી જમીનો પર યેનકેન પ્રકારે જમીન માફિયાઓને કબજો કરાવી આપવાના બનાવો ગુજરાતના હવે સામાન્ય બની રહ્યા છે.
લોધિકાના આગેવાનો અને જાગૃત નાગરિકો દ્વારા લોધિકાના ગૌચર પરની પેશકદમી તાત્કાલિક ધોરણે દૂર કરી આપવાની માંગણી કરવામાં આવી છે.