ઊંચા ભાવે ખાદ્યતેલના ખરીદ – વેચાણમાં સાવચેતી વધી

0
342

પામ સિવાયનાં ખાદ્યતેલોમાં અછત નથી’

ઇન્ડોનેશિયા દ્વારા લાદવામાં આવેલો પ્રતિબંધ લાંબો સમય નહીં ટકે’

રશિયા-યુક્રેન યુદ્ધ, રશિયા ઉપરના પ્રતિબંધો અને તે પછી ઈન્ડોનેશિયાનો પામતેલની નિકાસ ઉપરનો પ્રતિબંધ જેવા વૈશ્વિક ઘટનાક્રમને પગલે બજારમાં અછત સર્જાવાના ભયથી ખાદ્યતેલોના ભાવ વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા છે. આ પરિસ્થિતિમાં દેશમાં ખાદ્યતેલોનો પર્યાપ્ત પુરવઠો લાંબા સમય સુધી જળવાઈ રહે, જરૂરિયાત ધરાવતા લોકોને પોતાની પસંદગી પ્રમાણે તેલ મળતું રહે અને ભાવવધારો અવાસ્તવિક ન થઇ જાય તે હેતુથી મોટાં શહેરો કે મેટ્રોમાં ખાદ્યતેલના રિટેઇલ વેચાણમાં રેશાનિંગ પ્રથા શરૂ થઇ છે. એટલે કે છૂટક વેચાણમાં ચોક્કસ જથ્થાથી વધારે માલ આપવામાં આવતો નથી.”

ખાદ્યતેલોના ભાવ બમણા થઈ ગયા હોવાથી વિક્રેતા અને ગ્રાહકો બંને સાવધ બની તેનું વેચાણ અને ખરીદી કરી રહ્યા છે. ઓનલાઇન રિટેલરો તમામ ગ્રાહકોને સાચવવા મથી રહ્યા હોવાથી માત્ર એક કે બે રૂપિયાના મામૂલી ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકોનો પાંચ લિટર સુધીનો અૉર્ડર સ્વીકારી રહ્યા છે.’

ખાદ્યતેલના ભાવમાં તોફાની વધઘટનો માહોલ સતત રહેવાના કારણે ખાદ્યતેલના હૉલસેલરો અને રિટેલરો વધુ માલ રાખતા નથી જ્યારે બીજી તરફ ગ્રાહકો જે પહેલાં પાંચ, દસ અને 15 લિટરના કન્ટેઇનર ખરીદતાં હતાં, તેઓ ખાદ્યતેલ મોંઘુ થતાં હવે બે કે ત્રણ લિટર પાઉચમાં ચલાવી રહ્યા છે, તેમને એવી આશા છે કે એક-બે મહિનામાં પરિસ્થિતિ પૂર્વવત્ બનશે.’

ધ બૉમ્બે ગ્રેઇન ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ રમણીકભાઈ છેડાએ જણાવ્યું કે વેપારીઓ પણ ઊંચા ભાવે મળતા તેલનો સ્ટૉક વધારે રાખવા તૈયાર નથી, ભાવમાં લિટર દીઠ બે-પાંચ રૂપિયાનો ઘટાડો થાય તો પણ તેમના તમામ સ્ટૉકને ખોટમાં વેચવાનો વારો આવે.’

ખાદ્યતેલના વૈશ્વિક બજારનો વેપાર વિદેશી કંપનીઓના હાથમાં છે અને તેમની લૉબી ઘણી મોટી છે. તેઓ નુકસાન વેઠીને પણ ધારે તે કરી શકે છે. ઇન્ડોનેશિયા દ્વારા લાદવામાં આવેલા અંકુશો લાંબો સમય નહીં ટકે, કારણ કે તેમનું અર્થતંત્ર પામતેલની નિકાસ ઉપર નભે છે, એમ તેમણે ઉમેયું હતું.’

ગુજરાતમાં ખાદ્યતેલના છૂટક વેચાણમાં રેશાનિંગની અસર બ્રાન્ડેડ મોલ અને સુપર સ્ટોર્સમાં વર્તાય છે. સૌરાષ્ટ્રની બજારોમાં જોઇએ તેટલું તેલ મળે છે, પરંતુ ઊંચા ભાવને કારણે ગ્રાહકો નથી. રાજકોટના એક વેપારીએ કહ્યું કે, મૉલ-સુપર માર્કેટો કોર્પોરેટ કલ્ચરની હોય છે એટલે ત્યાં મુખ્ય ઓફિસની સૂચનાથી એક બે ટીન કે કેન આપવાની સૂચના હોઇ શકે છે પણ આપણી રિટેઇલ અને પરંપરાગત બજારોમાં કોઇ નિયંત્રણ નથી.”

ગુજરાતમાં તો પહેલેથી જ બારમાસી તેલ ભરી લેવાની પરંપરા છે. અલબત્ત આ વર્ષે તેજીને લીધે લોકોએ જોઇએ તેટલું તેલ જ ખરીદવાનું પસંદ કર્યું છે. તેલ છૂટથી મળે છે અને પુરવઠાની ક્યાંય અછત નથી એમ એક હોલસેલ વેપારી કહે છે.”’