લોધીકાના પાદરમાં સીમતળની હદમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર લાખો રૂપિયાની સરકારી જમીનો પર કોમર્શીયલ અને રહેણાંક મકાનો ખડકી દેવાયા!
લોધિકા મામલતદાર કચેરી આખરે કોની લાજ કાઢે છે?
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ કાર્યાલય દ્વારા
લોધિકાનો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થઇ રહ્યો છે અને જમીનના ભાવો વિક્રમજનક ઊંચા ગયા છે ત્યારે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સને પ્રાપ્ત માહિતી મૂજબ લોધિકા ગામની નદી પર આવેલા પૂલના છેડાથી સીમતળ હદની જમીન શરુ થાય છે જ્યાંથી સરકારી જમીનો પર ખુલ્લેઆમ રોડના કાંઠે કોમર્શીયલ અને રહેણાંક મકાનો ખડકી દેવામાં આવ્યા છે, નવાઈની વાત તો એ છે કે આ મકાનોમાં પી.જી.વી.સી.એલ. દ્વારા લાઈટના જોડાણો યેનકેન પ્રકારે આપી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે પી.જી.વી.સી.એલ.નું લાઈટ જોડાણ મેળવવા માટે જમીન માલિકીનો દસ્તાવેજ જરૂરી હોય છે ત્યારે પી.જી.વી.સી.એલ. લોધિકા કઈ રીતે સરકારી જમીનોના ગેરકાયદેસર બાંધકામોમાં કનેક્શન આપી શકે ? એ સવાલ પણ લોક્મૂખે ચર્ચાઈ રહ્યો છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ દ્વારા પી.જી.વી.સી.એલ. લોધિકાનો સંપર્ક કરી આ મુદ્દે તપાસ કરી આ માહિતી બહાર લાવવા પ્રયત્નશીલ છે. લોધિકા ગામના પાદરમાં નજરે દેખાતા સરકારી જમીનોમાં પેશકદમી કરી દુકાનો અને મકાનોના પાક્કા બાંધકામોના ખડકલા નજરે પડે છે. લોધિકા મામલતદાર કચેરી દ્વારા આવા ગેરકાયદેસર બાંધકામો દૂર કરી લાખોની કિમતની સરકારી જમીનો પર પેશકદમી દૂર કરવાને બદલે નોટીસો આપવાના નાટકો કર્યા કરે છે ત્યારે આ મુદ્દો લોધિકા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોધિકાની એક સામાજિક સંસ્થા આ મુદ્દે રાજકોટ કલેકટર કચેરીમાં ફરિયાદ કરશે એવી માહિતી પ્રાપ્ત થઇ છે!
ન્યુઝ ઓફ ધ વિક————————-
::::::::: લોધિકા ગામ અને આસપાસમાં વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી ભર્યા વગર ધાર અને ડુંગરા ખોદી સરકારી તંત્રો સાથે મિલીભગત દ્વારા સરકારની તિજોરીને કરોડોનો ચૂનો ચોપડી ખુલ્લેઆમ મોરમ વેચવાનો ધમધોકાર ધંધો કોઈની રોકટોક વગર બેફામ ચાલી રહ્યો છે આ બાબતે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ એક ઇન્વેસ્ટીગેટીવ રિપોર્ટ ટૂંક સમયમાં પ્રકાશિત કરશે જેની વાચકોએ નોંધ લેવી,:::::::::