ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) અને અમેરિકાની નેશનલ એરોનોટિક્સ ઍન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના નવા અધ્યાયનો પ્રારંભ!

0
139

નવી દિલ્હી, તા. 27 જૂન 

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) અને અમેરિકાની નેશનલ એરોનોટિક્સ ઍન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ 21 જૂનના રોજ `આર્ટમિસ એકોર્ડસ’ પર સહીસિક્કા કરીને સહયોગના એક નવા અધ્યાયનો આરંભ કર્યો છે. ભારત આ કરારમાં જોડાનાર 27મો દેશ છે. તેને પગલે ભારતના અવકાશ ક્ષેત્રના ખાનગી ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કામગીરી વિકસાવી શકશે અને વૈશ્વિક અવકાશ ક્ષેત્રે ભારતની હાજરી વધારી શકશે.

સમગ્ર વિશ્વના અવકાશ ક્ષેત્રના 320 અબજ ડૉલરના અર્થતંત્રમાં ભારત ફક્ત બે ટકાનો હિસ્સો ધરાવે છે. નાસા અને ઇસરોએ 2024માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)નું એક સંયુક્ત મિશન શરૂ કરવાનું પણ નક્કી કર્યું છે. ચંદ્ર અને તેનાથી આગળના અવકાશ મિશનો ખૂબ ખર્ચાળ હોય છે. એટલે તે મોટે ભાગે સંયુક્ત સાહસો દ્વારા હાથ ધરાતા હોય છે એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. ભારત સરકારના આ પગલાંથી દેશના ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે વૈશ્વિક ખેલાડીઓ સાથે સંયુક્ત કૉમર્શિયલ મિશનો શરૂ કરવાનાં દ્વાર ખૂલી જશે.

ભારત અમેરિકા વચ્ચેના `આર્ટેમિસ એકોર્ડસ’ કરારને કારણે ચંદ્ર આધારિત વિશાળ અર્થતંત્ર ઊભું થશે અને ભારત તથા ભારતના ખાનગી ક્ષેત્રના ખેલાડીઓને તે મદદરૂપ બનશે, એમ ઇન્ડિયન સ્પેસ ઍસોસિયેશન (ઇસ્પા)ના ડાયરેક્ટર જનરલ એ.કે. ભટ્ટે જણાવ્યું હતું. નાસા અને ઇસરો આ વર્ષે સમાનવ અવકાશયાત્રામાં સહયોગનું વ્યૂહાત્મક માળખું વિકસાવી રહ્યા છે.

2025 સુધીમાં ફરીથી મનુષ્યને ચંદ્ર પર મોકલવા અને મંગળ તથા તેનાથી પણ આગળ અવકાશમાં સંશોધન કરવા માટે અમેરિકાની નાસા અને અન્ય દેશોએ આર્ટેમિસ કાર્યક્રમ ઘડી કાઢયો છે.

`આર્ટેમિસ એકોર્ડ’ અમેરિકા અને અન્ય દેશો વચ્ચેનો એક બંધનકર્તા નહીં એવો એક કાર્યક્રમ છે. 2017માં અમેરિકાએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે જેમાં સૌપ્રથમ ત્રી અને ત્યાર બાદ પુરુષને ચંદ્ર પર મોકલવાની યોજના છે.

આ કાર્યક્રમ અવકાશ એજન્સીઓ માટે ઘણો સકારાત્મક છે કારણ કે અમેરિકામાં ખાનગી ક્ષેત્રના ઘણા ખેલાડીઓ ચંદ્ર પર ચડાઈ કરવાનું વિચારી રહ્યા છે. આ ઉપરાંત ભારતીય અવકાશ ઉદ્યોગ પણ આ પ્રકારના અવકાશયાત્રાના મિશનને આવકારશે. અમેરિકા-ભારતના સંયુક્ત અવકાશી સાહસને કારણે આ ક્ષેત્રમાં ખરીદ-વેચાણના સામાન્ય કામકાજ કરતાં ઘણા ગાઢ સંબંધો વિકસાવી શકાશે, એમ ધ્રુવ સ્પેસના સંજય નીલકેણીએ જણાવ્યું હતું. ધ્રુવ સ્પેસ ભારતનું સૌપ્રથમ અવકાશ સંબંધિત સ્ટાર્ટઅપ છે.