ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી અતિભારે વરસાદની આગાહી

0
146

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 27 જૂન

ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ ખાતે છુટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં દાદરાનગર, દમણ, તાપી, નવસારી, વલસાડમાં છૂટછવાયાં સ્થળોએ અતિભારે વરસાદની શક્યતા છે તેમ જ સાવચેતી દાખવવાની પણ સૂચના આપવામાં આવી છે. દરમિયાન, દેશના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, વિદર્ભ, કોંકણ અને ગોવા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો અને પૂર્વીય રાજસ્થાનમાં અતિભારે વરસાદ થવાની વકી હોવાનું આઈએમડીએ જણાવ્યું હતું.આગામી ચાર દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ થવાની બહોળી શક્યતા હોવાનું તેમણે જણાવ્યું હતું.26થી 30 જૂન દરમિયાન કોંકણ અને ગોવા, ગુજરાત રાજ્ય અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની વકી છે.

દરમિયાન આજે સવારના 6થી સાંજના 4 વાગ્યામાં ગુજરાતના 65 તાલુકાઓમાં વત્તા ઓછા અંશે વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના વલ્ભીપુર અને ઘોઘા તાલુકાઓમાં અનુક્રમે 62 અને 60 એમએમ વરસાદ પડયો હતો. જ્યારે કચ્છના મુંદ્રામાં 56 એમએમ, નવસારી અને ધરમપુરમાં 56 એમએમ તેમ જ નવસારીના જલાલપોર, ચીખલી અને ખેરગામમાં અનુક્રમે 53, 52 અને 49 એમએમ વરસાદ પડયો હતો. જ્યારે 14 જિલ્લાઓમાં 30થી લઇને 42 એમએમ, સાત જિલ્લાઓમાં 20થી 25 એમએમ, જ્યારે 37 જિલ્લાઓમાં 17 એમએમથી તેના કરતા ઓછો વરસાદ પડયો હતો.  

દરમિયાનમાં ગુજરાતમાં ચોમાસું હવે જામ્યું છે અને મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં જમાવટ કરી છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 13.45 ટકા વરસાદ પડયો છે, જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 67.33 ટકા થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 20.70 ટકા વરસાદ થયો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 9.29 ટકા વરસાદ થયો છે. ડેમોમાં હાલમાં પાણીની પરિસ્થિતિ જોઇએ તો, 207 પૈકી પાંચ ડેમ સંપૂર્ણ ભરેલા છે. મહત્ત્વનું છે કે, ગુજરાતના 207 ડેમમાં 39.97 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.   સરદાર સરોવર ડેમમાં 51.61 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. તો કચ્છના 20 ડેમમાં 48.48 ટકા પાણી છે, જ્યારે ઉત્તર ગુજરાતના 15 ડેમ 46.85 ટકા પાણીથી ભરેલાં છે. સાથે જ સૌરાષ્ટ્રના તમામ ડેમમાં 205.36 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતના 17 ડેમ 31.45 ટકા પાણીથી ભરેલાં છે, જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 33.41 ટકા પાણી ઉપલબ્ધ છે. પાંચ સંપૂર્ણ ભરેલા ડેમોની વાત કરીએ તો, એમાં કચ્છના 4 અને સૌરાષ્ટ્રનો 1 ડેમ સંપૂર્ણ ભરેલો છે.