રોકાણકારો સોના-ચાંદી તરફ પાછા ફર્યા !

0
93

રોકાણકારો સોના-ચાંદી તરફ પાછા ફર્યા 

સ્થાનિક બજારમાં સોનું રૂા. 62,000 થવાની શક્યતા

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ બ્યુરો

તા.૨૨ માર્ચ

વિશ્વમાં એક જ પ્રશ્ન થઈ રહ્યો છે, શું આપણે વધુ એક નાણાં કટોકટી તરફ આગ્રેસર છીએ? એનાલિસ્ટો કહે છે કે દિશા જે તરફ જઈ રહી છે, એ તો સ્પષ્ટ સૂચવે છે. અમેરિકન ટ્રેઝરી બિલ અને યુરોઝોન બોન્ડ યીલ્ડ ઘટ્યા, બેંકિંગ શેરો તૂટ્યા પછી સર્જાયેલી વિશ્વાસની કટોકટીએ હવે વ્યાજદર વૃદ્ધિની અપેક્ષાઓ પણ વધી છે. નિરાશાજનક અર્થતંત્ર જોતા રોકાણકારો સલામતીની શોધમાં સોના-ચાંદી તરફ પાછા ફર્યા છે, તેજી આગળ વધવા લાગી છે.

નાઈન ડાયમંડ્સના ચૅરમૅનના  જણાવ્યા મુજબ અમેરિકાની બૅન્કિંગ કટોકટીના કારણે આવનારા છ માસમાં સ્થાનિક રિટેલ બજારમાં સોનાનો ભાવ રૂા. 62,000ની આસપાસ પ્રતિ 10 ગ્રામ જવાની શક્યતા છે. સોનું મોંઘું થવાથી તેની ખરીદી ઘટશે અને લોકો એક ગ્રામની ગોલ્ડ જવેલરી ખરીદવાનું વધારે પસંદ કરશે અને ચાંદીના રોકાણમાં આકર્ષણ વધશે. તે સાથે ઈમિટેશન જ્વેલરીની માગ પણ વધશે.

નાયમેક્સ એપ્રિલ રોકડો વાયદો બુધવારે 1942 ડોલર પ્રતિ ઔંસ (31.10347 ગ્રામ) થયા બાદ ગુરુવારે કેટલાંક નિરાશાવાદી ખેલાડીઓએ , છ સપ્તાહની ઊંચાઈએથી નફો ગાંઠે બાંધવા આવતા, ભાવ 1911.50 ડોલર સુધી નીચે મુકાયા હતા. રોકડો વાયદો 2 ફેબ્રુઆરીએ ઇન્ટ્રાડેમાં 1959.10 ડોલર બોલાયા પછી સિઝન હાઇ 1942.45 ડોલર રહ્યો હતો. કેટલાક ટ્રેડરોએ બુધવારે હાજર સોનાના સોદા, વાયદાની નજીકના ભાવે 1935 ડોલરમાં કર્યા હતા, જે એક સપ્તાહ અગાઉ કરતાં 100 ડોલર વધુ હતા. હાજર સોનું પણ ઇન્ટ્રાડેમાં 1937 ડોલર બોલાયું હતું જે છ સપ્તાહની ઊંચાઈએ હતું.

અમેરિકાની સિલિકોન વેલી બેન્ક નિષ્ફળ ગયા પછી યુરોપની બીજા નંબરની સૌથી મોટી સ્વિત્ઝર્લેન્ડની ક્રેડિટ સ્યૂઇસના શેર બુધવારે જ્યુરિચ શેરબજાર ખાતે 30 ટકા કરતાં વધુ તૂટી પડતાં, આખી દુનિયામાં હોબાળો મચી ગયો હતો. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું કે ક્રેડિટ સ્યૂઇસના લોચા પછી અમે અમેરિકન બૅન્કોનું તેમાં કેટલું હિત છે, તે ચકાસી રહ્યા છીએ.  આ ઘટના પછી હવે ગોલ્ડ માઇનિંગ કંપનીઓ આ ક્ષેત્રની મજબૂતીનું આકલન કરવા લાગી છે. ગુરુવારે રાજિંદો ગોલ્ડ સિલ્વર રેશિયો (એક ઔંસ સોનાથી ખરીદી શકાતી ચાંદી અથવા સોનાના ભાવ ભાગ્યા ચાંદીના ભાવ) 87.88 આવતા આવું આકલન આવશ્યક બન્યું હતું. ભારતની વાત કરીએ તો  રિઅલ એસ્ટેટ, શેર માર્કેટ અને બેન્કિંગ સેક્ટરના સ્થાને આશાસ્પદ અને વિશ્વાસપાત્ર મજબૂત વળતરનો વિકલ્પ હવે સોના-ચાંદીના રોકાણમાં જોઈ રહ્યાનું ઇન્વેસ્ટમેન્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયીઓ જણાવી રહ્યા છે.