ઈઝરાયલ-હમાસ યુદ્ધને પગલે ચાની નિકાસ ઘટી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે થઈ રહેલા યુદ્ધને પગલે કોચીમાં ચાની હરાજીમાં ભાવ અને વેચાણ બન્ને ઘટયા છે. હવે યુદ્ધ લાંબો સમય ચાલશે તો ચાની નિકાસ ઘટવાની આશંકા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાના લિલામમાં આવેલ 2,00,159 લાખ કિગ્રા. માંથી માત્ર 70 ટકા વેચાણ થયું હતું. યુદ્ધના લીધે સુએઝ કેનાલ દ્વારા થતી નિકાસ અસરગ્રસ્ત થઈ શકે છે. જો આ સ્થિતિ વધુ વણસશે તો લિલામમાં ચાની પ્રાપ્તિમાં વિક્ષેપ સર્જાઈ શકે છે.
આ મહિનાના શરૂઆતમાં કોચીથી ઈરાન, ઈરાક અને ટયુનીશિયામાં થયેલી ઓર્થોડોક્સ ચાના કિલોએ નિકાસ ભાવ રૂા. ચારથી પાંચ વધ્યાં હોવાથી નિકાસકારોને સારો વેપાર થવાની આશા હતી, પરંતુ યુદ્ધના પગલે માગ ઘટી રહી છે. આગામી થોડાંક સપ્તાહોમાં પરિસ્થિતિ સુધરે છે કે વણસશે તે માટે આપણે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જરૂરી બનશે. નિકાસ પ્રમાણ ઘટયું છે. ઈઝરાયલમાં આપણી નિકાસ મર્યાદિત પ્રમાણમાં છે. પરંતુ વાયા સુએઝ અન્ય દેશોમાં વિપુલ માત્રામાં થાય છે. એમ કોચીના ચાના નિકાસકારનું કહેવું છે.
સાઉથ ઈન્ડિયા ટી એક્ષ્પોર્ટસ એસોસિએશનના પ્રમુખ દીપક શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચાની નિકાસ બાબતે હમણાં કંઈ કહેવું યોગ્ય નથી કેમકે યુદ્ધનો આરંભ હમણાં જ થયો છે. તેને લીધે જો તેલના ભાવ વધશે તો ફ્રેઈટ કોસ્ટ વધી જશે. અત્યારે ચાના ભાવ ઘટી રહ્યા છે. આમ ઓછા ભાવ અને ઊંચા નિકાસ ખર્ચથી ચા ઉદ્યોગ માટે સંયોગો સારા જણાતા નથી.