દેશના મીઠાના કુલ ઉત્પાદનમાં સૌથી વધુ ઉત્પાદન કરતા કચ્છના નમક ઉદ્યોગ ઉપર છેલ્લા કેટલાક સમયથી નિકાસમાં ઘટાડો અને જથ્થાના ભરાવા સહિતની સમસ્યાના પેદા થઇ ચૂકી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મંદી અને દેશના પરિવહનમાં ભાવ વધારા સહિતની પરિસ્થિતિના કારણે કચ્છના ઉદ્યોગકારોને જંગી આર્થિક ફટકો પણ સહન કરવો પડે છે. આ પરિસ્થિતિના કારણે નમક ઉદ્યોગ જગતમાં ઘેરી ચિંતા પ્રસરી છે. કચ્છમાં પ્રવેશતાં જ સૂરજબારીથી લઈ ભચાઉ -અંજાર તાલુકા અને પશ્ચિમ કચ્છના દરિયાઈ વિસ્તાર સહિત કચ્છમાં દેશની જરૂરિયાતનું લગભગ નમક કચ્છમાંથી ઉત્પાદન કરવામાં આવે છે. કચ્છમાં રિફાઈન સોલ્ટ રેક મારફત દેશના વિવિધ રાજ્યોમાં પહોંચે છે અને બીજું ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટ જે ચાઈના સહિતના દેશમાં કંડલા અને મુંદરા બંદરેથી નિકાસ થાય છે. કંડલા બંદરેથી અલગ અલગ વજનની બેગમાં આ ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટ પેક કરી નિકાસ કરાય છે. આ પૈકી ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટની વિદેશમાં માંગ ઘટતાં તેની અસરના કારણે નિકાસ ઘટી છે. નમક ઉદ્યોગકાર બાબુભાઈ હુંબલે કચ્છના મીઠા ઉદ્યોગમાં આ પ્રકારની પરિસ્થિતિ ત્રણ ચાર વર્ષ બાદ આવી હોવાનું જણાવી છેલ્લા કેટલાક મહિનાઓથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી હતી. કચ્છમાં ઉત્પાદિત થતું ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટ ચાઈના સહિતના દેશમાં નિકાસ થાય છે. ચાઈનામાં સોડા એસના એકમોમાં સર્જાર્યેલા મંદીના માહોલને કારણે મીઠાની ખપત ઓછી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વેસલના ભાડામાં પણ જંગી વધારો થતાં આર્થિક ફટકો વધારામાં પડયો છે. અગાઉ 10 ડોલર વેસલનું ભાડું હતું જે અત્યારે વધીને 13 ડોલરે પહોચ્યું છે તેના કારણે પ્રતિ ટન 300 રૂપિયા જેટલો આર્થિક ફટકો કચ્છના નમક ઉદ્યોગકારોને પડી રહ્યો છે. નમક જેવી ઓછી કિંમતની વસ્તુ આટલા મોંઘા ભાડાંમાં નિકાસ કરવી લાંબો સમય સુધી પરવડે તેમ નથી. હાલની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે નિકાસમાં 10થી 15 લાખ ટનનું મોટું ગાબડું પડયું છે. વિદેશમાં મંદીનો આ માહોલ કયાં સુધી ચાલશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ ત્યાં સુધી તો કચ્છના એક મોટા ઉદ્યોગને ફટકો સહન કરવો જ રહ્યો. સંભવત: એક કે બે મહિનામાં આ હાલતમાં સુધારો આવશે તેવો આશાવાદ ઉદ્યોગકારો વ્યકત કરી રહ્યા છે.