RBIએ 18 મહિનામાં પહેલી વાર વ્યાજદર ઘટાડ્યો

0
515

મુંબઈ:RBIએ પોલિસીના વલણમાં ફેરફાર સાથે 18 મહિનામાં પહેલી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. નવા ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે પહેલી જ પોલિસીમાં હોમ અને અન્ય લોનને સસ્તી કરવાની દિશામાં મહત્ત્વનું પગલું લીધું છે. લોકસભા ચૂંટણી આડે થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે આ પગલાથી ધિરાણને વેગ મળશે અને અર્થતંત્રની વૃદ્ધિને પ્રોત્સાહન મળશે.

ઉલ્લેખનીય છે કે, સરકારે તાજેતરના બજેટમાં નાના ખેડૂતો માટે ₹75,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને ₹5 લાખની આવક સુધી સંપૂર્ણ રિબેટ આપ્યો હતો. ગુરુવારે RBIની છ સભ્યની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ નીચા ફુગાવાને ધ્યાનમાં રાખીને રેપો રેટ 0.25 ટકા ઘટાડી 6.25 ટકા કર્યો હતો. શક્તિકાંત દાસ સહિત MPCના છમાંથી ચાર સભ્યએ વ્યાજદરમાં ઘટાડાની તરફેણમાં વોટિંગ કર્યું હતું. તમામ છ સભ્યએ સર્વસંમતિથી પોલિસીનું વલણ ‘ન્યૂટ્રલ’ કરવાનો મત આપ્યો હતો, જે ઓક્ટોબરમાં ‘કેલિબરેટેડ ટાઇટનિંગ’ કરાયું હતું.

ડિસેમ્બરમાં ફુગાવો 2.19 ટકાની 18 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. તે એપ્રિલ-સપ્ટેમ્બરમાં 3.2-3.4 ટકાની રેન્જમાં રહેવાનો અંદાજ છે. આ રેન્જ RBIના અગાઉના 3.8-4.2 ટકાના અંદાજ કરતાં નીચી છે. દાસની આગેવાનીમાં MPCએ આર્થિક વૃદ્ધિ સામેના જોખમને વધુ મહત્ત્વ આપ્યું હતું, જે આગામી સમયમાં વધુ રેટ કટનો સંકેત આપે છે.

MPCએ રિવર્સ રેપો રેટ પણ 6.25 ટકાથી 0.25 ટકા ઘટાડી 6 ટકા કર્યો હતો. રેપો એટલે કોમર્શિયલ બેન્કો RBI પાસેથી જે દરે ધિરાણ મેળવે છે એ દર. રિવર્સ રેપો એટલે RBI બેન્કો પાસેથી જે દરે બેન્કો પાસેથી નાણાં મેળવે છે એ દર. નવા ગવર્નર શક્તિકાંત દાસ અગાઉના ગવર્નર ઊર્જિત પટેલની તુલનામાં સરકારની ધિરાણવૃદ્ધિને પ્રોત્સાહિત કરવાની માંગણીની તરફેણમાં જણાય છે. તેમણે કહ્યું હતું કે, “ભાવમાં સ્થિરતા હાંસલ થયા પછી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ અને સમયસર નિર્ણય લેવો જરૂરી છે.”

ઊર્જિત પટેલની એક્ઝિટ પછી ભૂતપૂર્વ સરકારી અમલદાર શક્તિકાંત દાસની RBI ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. નાણાપ્રધાન પીયૂષ ગોયલે ટ્વિટ કરી હતી કે, “રેપો રેટ 0.25 ટકા ઘટાડી 6.5 ટકા કરવાનો તેમજ પોલિસી વલણ બદલીને ‘ન્યૂટ્રલ’ કરવાનો RBIનો નિર્ણય અર્થતંત્રને વેગ આપશે. ઉપરાંત, નાના બિઝનેસ રહેઠાણ ખરીદદારોને વાજબી દરે ધિરાણ મળશે અને રોજગારીની તકો વધશે.”

RBIએ છેલ્લે ઓગસ્ટ 2018માં વ્યાજદર 0.25 ટકા ઘટાડ્યો હતો. ત્યાર પછી જૂનમાં 0.25 ટકા વ્યાજ વધ્યું હતું. એ વખતે 28 જાન્યુઆરી 2014 પછી પહેલી વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. RBIએ ગુરુવારે પોલિસીમાં આગામી વર્ષ માટે GDP વૃદ્ધિનો અંદાજ 7.4 ટકાના દરે યથાવત્ રાખ્યો છે.