હોમલોનનો વૃદ્ધિદર ટકાવવા બૅન્કોએ વ્યાજદર ઘટાડયા!

0
151

હોમલોનનો વૃદ્ધિદર ટકાવવા બૅન્કોએ વ્યાજદર ઘટાડયા

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ બ્યુરો

 તા. 21 માર્ચ

હોમલોનની માંગ ધીમી પડી રહી છે, તેની ચિંતા બૅન્કોને થઈ છે. ઊંચા વ્યાજદરને કારણે ઘર ખરીદી માટેની લોનના લેવાલ ઘટ્યાં છે. ત્યારે નાણાં વર્ષ પૂરું થાય તે પહેલા ગ્રાહકોને આકર્ષવા માટે બૅન્કો અને ગૃહ ધિરાણ આપતી કંપનીઓ વિશેષ દર ઓફર કરવા લાગી છે.ઉ.દા. તરીકે સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા (એસ.બી.આઈ.)એ 750થી ઉપરનો ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે 8.5 ટકાનો હોમલોન દર ઓફર કરે છે. તેવી જ રીતે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કૉર્પોરેશન (એચડીએફસી) 760થી વધુ ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને 8.7 ટકા ઓફર કરે છે. ગયા સપ્તાહે બૅન્ક ઓફ બરોડાએ હોમલોનના દરોમાં 40 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરીને વ્યાજદર 8.5 ટકા કર્યા અને આ પ્રકારની લોન પરના પ્રોસેસિંગ ચાર્જને માફ કર્યા. બૅન્કરો અપેક્ષા રાખે છે કે નવા દરો વધતા વ્યાજદરના સંજોગોમાં વધતી સ્પર્ધા સાથે હોમલોનના વિકાસને વેગ આપશે.આ બેન્કિંગ નીતિઓ વચ્ચે પણ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સમાં અમારા રિઅલ એસ્ટેટ સેક્ટરના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મકાનની ખરીદીમાં ગ્રાહકોમાં કોઈ ઉત્સાહ દેખાતો નથી. માંગ ઘટવા છતાં મકાનના ભાવો નીચે આવતા નથી અને ઊંચા ભાવો અને અર્થતંત્રમાં કોઈ આશાસ્પદ ભાવી જણાય રહ્યું ન હોય લોકો મહીને ઉંચી રકમના હોમલોનના હપ્તા ભરવાની જવાબદારીઓ લેવા ખાસ ઉત્સાહિત નથી! ઉચ્ચ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ સતત વધતી જતી મોંઘવારીમાં નવી નાણાકીય જવાબદારીઓ ઉભી કરવા માંગતા નથી એ બજારમાં સ્પષ્ટ દ્રશ્ય દેખાય રહ્યું છે.

રિઝર્વ બૅન્કે મે, 2022થી વ્યાજદરોમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. આ નવા વર્ષની શરૂઆતમાં હોમલોન લેનારાનો ધિરાણ ખર્ચ વધીને નવ ટકાનો થયા છે. જોકે લોનની વૃદ્ધિ પર ભંડોળના વધતા ખર્ચની અસર દેખાતી નથી. બૅન્કરોએ જણાવ્યું હતું કે વૃદ્ધિનો દર ધીમો પડ્યો છે.  એસ.બી.આઈના ડેપ્યુટી મૅનેજિંગ ડિરેક્ટર પ્રકાશચંદ્ર કંદપાલે જણાવ્યું કે, માર્ચમાં ડિસેમ્બર ત્રિમાસિકમાં 9-10 ટકાની વૃદ્ધિની ધારણા રાખી શકીએ છીએ જો કે આ ધારણા ક્યાં પરિબળો પર આધારિત છે એની કોઈ સ્પષ્ટતા નથી!

હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બજારમાં ઉત્સાહ ઓછો થયો છે. આ મંદીનો સંકેત નથી. જે વધારાની માગ હતી તે સામાન્ય થઈ ગઈ છે. ફ્લાટિંગ-રેટ લોન માટે વ્યાજદરમાં સમયાંતરે વધઘટ થશે. તેથી લોન લેતી વખતે વ્યાજદર કેટલા છે તે બહુ મહત્ત્વનું નથી. વ્યાજદરોને કારણે લાંબા ગાળાની માગ પર અસર નહીં થાય. 

રિઝર્વ બૅન્કના ડેટામાં જણાવાયું હતું કે, એબ્સોલ્યુટ ટર્મમાં પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સહિતની મોર્ગેજ લોનમાં માસિક ધોરણે ઘટાડો થયો છે. જ્યારે વૃદ્ધિ દર જાન્યુઆરીના ઘટીને 15.4 ટકા થયો છે, જે ડિસેમ્બરમાં 16 ટકા હતો. એમ કે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસીસે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, વ્યાજદર અને મોર્ગેજ વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અગાઉ બહુ મજબૂત નહોતો. તેમ છતાં, એન્ડ્રોમેડા (સૌથી મોટા ડાયરેક્ટ સાલિંગ એજન્ટ) સાથેની ચર્ચાને આધારે કહી શકાય કે મિલકતના વધતા ભાવ સાથેના દરમાં વધારો મોર્ગેજ વૃદ્ધિની ગતિ પર થોડી અસર કરશે, જે માર્ચ પછી વધુ દેખાશે. મેટ્રો અને મોટા શહેરોમાં કેટલીક મોટી રિયલ એસ્ટેટ કંપનીઓ ગ્રાહકો પરના વ્યાજના બોજને ઘટાડવા ઇન્ટરેસ્ટ સબવેન્શન ઓફર કરી રહ્યા છે, પરંતુ તે દર વધારાની અસરને સંપૂર્ણપણે સરભર કરવા માટે પૂરતું નથી. 

રિયલ એસ્ટેટ કંપનીઓના મતે હોમલોનની વૃદ્ધિ ઘટવાથી ચાર મહિનાના અંતરાલ પછી રિયલ એસ્ટેટની માગ પણ ઘટશે. તેથી સ્પષ્ટ ચિત્ર માર્ચ ત્રિમાસિક પછી જ જણાશે. રિયલ એસ્ટેટની કિંમતો પર દર વધારાની વાસ્તવિક અસર માત્ર 5-8 ટકા હોઈ શકે છે. કારણ કે ઇનપુટ કોસ્ટનો મોટાભાગનો વધારો ડેવલપર્સે વહન કર્યો છે. એનારોક ગ્રુપના ચૅરમૅન અનુજ પુરીએ જણાવ્યું કે, માગ ખૂબ મજબૂત છે, પણ માગ વૃદ્ધિ ઘટી રહી છે.

          ટૂંકમાં બેન્કિંગ સેક્ટરના આશાવાદ અને સ્થળ પરની વાસ્તવિકતા ચકાસતા જે રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા બ્રોકર્સ અને બિલ્ડર્સની જમીની હકિકત વચ્ચે આભ અને જમીનનું અંતર સ્પષ્ટ અનુભવાય છે! સરકારી નીતિઓ અને વ્યવસ્થા તંત્રની વહીવટી આંટીઘૂંટીઓના પરિણામે નાના બિલ્ડર્સ આ સેક્ટરમાંથી નીકળી ગયા છે જયારે જેઓ વ્યવસાયમાં છે તેઓ મકાનની ઉંચી કિંમતો રાખી રહ્યા છે. તેથી ગ્રાહકો માટે સામાન્ય મકાન પણ ઉંચી કિંમતે લેવાનું ટાળી રહ્યા છે.