ઓટાવા, તા. ૧૫ ફેબ્રુ. કૅનેડામાં ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જ્વલ્લે જ વપરાતી તાકીદની પરિસ્થિતિ માટેની સત્તાઓનો ઉપયોગ કર્યો છે. આ વિરોધ પ્રદર્શનોને કારણે કૅનેડાની અમેરિકા સાથેની સરહદ પરના કેટલાક ક્રોસિંગ બંધ થઈ ગયાં છે અને પાટનગર ઓટાવાના કેટલાક વિસ્તારોમાં જનજીવન થંભી ગયું છે. કૅનેડાના ઈમર્જન્સી એકટ અન્વયે સરકારે વિરોધકારીઓને મળતા નાણાં અટકાવવા માટેના તેમ જ પ્રાદેશિક અને સ્થાનિક પોલીસને કેન્દ્રીય પોલીસની સહાય પૂરી પાડવા માટેનાં પગલાં જાહેર કર્યાં છે. કૅનેડાએ સરહદ પાર આવ-જા કરતા ટ્રક ડ્રાઈવરો માટે રસી લો અથવા કવોરન્ટાઈન થાવ એવા નિયમ જાહેર કરતાં તેના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ શરૂ કરેલા `ફ્રીડમ કોન્વોય’ આંદોલનમાં કોરોનાપ્રેરિત નિયંત્રણોથી લઈને કાર્બન ટૅકસ સુધીની ટ્રુડો સરકારની નીતિઓનો વિરોધ કરનારાઓ જોડાઈ ગયા છે. વિરોધકારીઓએ ઓન્ટારિયો પ્રાંતના વિન્ડસર અને ડેટ્રોઈટ વચ્ચેનો મહત્વનો વેપાર માર્ગ છ દિવસ સુધી બંધ કરી દીધા પછી પોલીસે તેમને રવિવારે ત્યાંથી દૂર કર્યા હતા. બીજા વિરોધકારીઓએ આલ્બર્ટા, મનીતોબા અને બ્રિટિશ કોલમ્બિયામાં આવેલા ક્રોસિંગ બંધ કર્યા હતાં. ટ્રુડોએ જાહેર કરેલા પગલાંમાં ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ્સ પર આતંકવાદ જેવી દેખરેખ રાખવામાં આવશે. બૅન્કોને અવરોધ સર્જનારાઓના ખાતાં થિજાવી દેવાની સત્તા મળશે અને વિરોધ પ્રદર્શનમાં વપરાતાં વાહનોનો વીમો રદ કરાશે, એમ નાણાપ્રધાન ક્રિસ્ટીયા ફ્રીલેન્ડે કહ્યું હતું. િવરોધકારીઓએ મૂકેલા અવરોધો આપણા અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે અને જાહેર સલામતી જોખમમાં મુકાઈ છે. આવી ગેરકાયદે અને જોખમી પ્રવૃત્તિને ચાલુ રહેવા દેવાય નહીં, એમ ટ્રુડોએ જણાવ્યું હતું. જોકે કેનેડિયન સિવિલ લિબર્ટીઝ ઍસોસિયેશને કહ્યું કે સરકારે આ કાયદાનો ઉપયોગ કરવા માટેની જરૂરિયાતો પૂરી કરી નથી. આ કાયદો જ્યારે સાર્વભૌમત્વ, સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતા સામે જોખમ ઊભું થાય ત્યારે જ વાપરી શકાય છે.