સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે?
વિશ્વની ફાઈનાન્શિયલ માર્કેટસમાં અચોક્કસતાની સ્થિતિ છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે એ બાબત માર્કેટ સાથે સંકળાયેલાઓ માટે આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે જ્યારે નાણાકીય અચોક્કસતાની સ્થિતિ હોય ત્યારે સોના સહિત અન્ય કીમતી ધાતુઓના ભાવ વધતા હોય છે.
અત્યારે વિશ્વ બજારમાં સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે એનો જવાબ અમેરિકાસ્થિત સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટર નિગમ અરોરાના રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.
નિગમ અરોરાના રિપોર્ટ મુજબ સોનાના ભાવ પર બે મુખ્ય પરિબળો અસર કરે છે. આ બે પરિબળો ડૉલર અને વ્યાજદર છે. આ બે પરિબળોને કારણે સોનાના ભાવ ઘટી રહ્યા છે.
પહેલા ડૉલરની વાત કરીએ તો સોનાના ભાવ ડૉલરના મૂલ્યમાં નક્કી થાય છે. આ કારણથી જ્યારે ડૉલરના મૂલ્યમાં વધારો થાય ત્યારે સોનાના ભાવ ઘટે. અત્યારે ડૉલર સતત મજબૂત થઈ રહ્યો છે એટલે સોનાના ભાવ ઘટી રહ્યા છે. વિશ્વની વર્તમાન સ્થિતિ ધ્યાનમાં લેતા આગામી સમયમાં પણ ડૉલર વધુ મજબૂત થવાની અપેક્ષા છે. એનો અર્થ એ થયો કે આગામી સમયમાં સોનાના ભાવમાં ઘટાડો જળવાઈ રહેશે.
બીજા પરિબળ વ્યાજદરની વાત કરીએ તો જ્યારે વ્યાજદરમાં વધારો થાય ત્યારે પણ સોનાના ભાવ ઘટવાતરફી રહે. અત્યારે અમેરિકન ફેડરલ વ્યાજદરમાં સતત વધારો કરી રહ્યું છે. એનલિસ્ટો અને માર્કેટ એકસપર્ટસનું માનવું છે કે આગામી સમયમાં પણ અમેરિકન ફેડરલ વ્યાજદરમાં વધારો ચાલુ જ રાખશે. ફેડરલ રિઝર્વના પગલે અન્ય દેશોની સેન્ટ્રલ બૅન્કો પણ વ્યાજદરમાં વધારો કરી રહી છે.
રોકાણકારો ફેડ ફંડસ ફ્યુચર્સ પર નજર રાખી રહ્યા છે. મે ફેડ ફંડસ ફયુચર્સ પાંચ ટકાના લેવલે પહોંચી ગયા છે. ફેડ ફંડ રેટ જ્યાં સુધી વધશે ત્યાં સુધી સોનાના ભાવ ઘટશે. જ્યારે ફેડ ફંડ રેટ વધશે ત્યાર પછી સોનામાં તેજી જોવા મળશે.
ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે
અમેરિકાના પ્રમુખ બાયડને સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાંથી મોટા પાયે ફરીથી અૉઈલ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આ રિલીઝને પગલે તેમ જ મંદીની સ્થિતિના ભયને કારણે ક્રૂડ અૉઈલના ભાવ પર નિયંત્રણ રહે એવી ગણતરી છે. આ જથ્થાની રિલીઝને કારણે ક્રૂડ અૉઈલના ભાવ ઘટી શકે છે. બાયડને એવી પણ જાહેરાત કરી છે કે જો ક્રૂડ અૉઈલના ભાવ બેરલ દીઠ ઘટીને 72 ડૉલરની નીચે જશે તો અમેરિકાની સરકાર ક્રૂડ અૉઈલ ખરીદશે. આને ધ્યાનમાં લેતા ડાઉનસાઈડ માટે 70 ડૉલરનો ભાવ સપોર્ટ ગણી શકાય.