બિડેન અમેરિકન પ્રમુખ બનવાની રેસમાં વિજેતા બનવા માટે એક ડગલું જ દૂર

0
1035

ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અમેરિકન પ્રમુખ બનવાની રેસમાં વિજેતા બનવા માટે એક ડગલું જ દૂર છે. અમેરિકન મતદારોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાકારો આપ્યો છે. જોકે, બિડેનના પ્રમુખ બનવાની સત્તાવાર જાહેરાતને થોડોક સમય લાગશે.બિડેને પેન્સિલવેનિયામાં લીડ મેળવીને તેમની જીતની આશા વધુ મજબૂત કરી લીધી છે. સાથે જ બિડેન વ્હાઈટ હાઉસની વધુ નજીક પહોંચી ગયા છે. બીજીબાજુ ડોનાલ્ડ ટ્રમ્પે બિડેનને વિજય મળ્યો છે તેવા કેટલાક રાજ્યોમાં કોર્ટમાં મતદાનમાં ભ્રષ્ટાચાર અંગે કેસ કર્યા છે. પરંતુ જ્યોર્જિયા અને મિશિગન કોર્ટે ટ્રમ્પને ફટકો આપ્યો છે. આ બંને કોર્ટે ટ્રમ્પની પોસ્ટલ બેલેટ રોકવાની અરજી ફગાવી દીધી છે. એટલે કે પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ રહેશે. જોકે, જ્યોર્જિયામાં બિડેન અને ટ્રમ્પ વચ્ચે મતોનો તફાવત પાતળો હોવાથી અહીં ફરીથી મતગણતરી કરવામાં આવશે તેમ જ્યોર્જિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રાડ રેફેન્સપેર્જરે કહ્યું હતું. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પરિણામો હવે અંતિમ તબક્કામાં છે. આ સમયે પાંચ રાજ્યોના પરિણામો પર બિડેન કે ટ્રમ્પના ભાવિનો આધાર છે. માત્ર અમેરિકા જ નહીં આખી દુનિયાની નજર આ પાંચ પ્રાંતોના પરિણામો પર છે. આ પાંચ પ્રાંતોમાં પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, નેવાડા અને અલાસ્કાનો સમાવેશ થાય છે. આ પાંચેય પ્રાંતોમાં હજી પણ મતોની ગણતરી ચાલુ છે. અમેરિકાના મોટાભાગના પ્રાંતોમાં સ્થિતી સ્પષ્ટ થઈ ચૂકી છે, પરંતુ આ પાંચ પ્રાંતોમાં મામલો અટક્યો છે. અમેરિકન પ્રમુખ બનવા માટે 538માંથી 270 ઈલેક્ટોરલ મત મેળવવા જરૂરી છે. બિડેનને હવે માત્ર છ ઈલેક્ટોરલ વોટની જરૂર છે જ્યારે ટ્રમ્પને 56 વોટની જરૂર છે. જ્યોર્જિયાના 16 ઈલેક્ટોરલ વોટ છે. અત્યાર સુધીમાં 98 ટકા મતોની ગણતરી થઈ હોવાનો અંદાજ છે. અહીં બિડેને 1096 મતોની પાતળી સરસાઈથી ટ્રમ્પને પાછળ પાડી દીધા છે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ માટે આ એક મહત્વપૂર્ણ ઘટના છે, કારણ કે ગઈકાલ સુધી તેઓ ટ્રમ્પ કરતાં 50,000 મતોથી પાછળ હતા. બંને ઉમેદવારો વચ્ચે મતોનો ખૂબ જ મામૂલી તફાવત હોવાથી અહીં ફરીથી મત ગણતરી થઈ શકે છે.