બેકારી તેજીમાં…..

0
44

બેકારી તેજીમાં…..

જોબ માર્કેટ હજુ પણ પ્રી-કોવિડ સ્તરે પણ નથી પહોંચ્યું: 6 સેક્ટરમાં નોકરીઓ વધી, પરંતુ 14 સેક્ટરમાં ઘટી

દેશમાં નોકરીઓનું ચિત્ર ચિંતાજનક!

 4 વર્ષમાં, ખાનગી ક્ષેત્રમાં નવી નોકરીઓમાં 3.1% વાર્ષિક વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે GDP વૃદ્ધિ દર 4.5% આસપાસ હતો. પ્રી-કોવિડની સરખામણીએ, 2,975 કંપનીઓમાંથી 49.44%માં રોજગારમાં 8.2 લાખનો ઘટાડો થયો છે. બાકીની 1,504 કંપનીઓમાં 17.4 લાખ નવી નોકરીઓનું સર્જન થયું છે. એકંદરે નોકરીઓમાં વધારો માત્ર 9.2 લાખ હતો. બેંક ઓફ બરોડાના સંશોધન અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે.

આઇટી, ફાઇનાન્સ અને રિટેલ સહિત છ ક્ષેત્રો એવા હતા, જેમાં નોકરીની વૃદ્ધિ ચાર વર્ષની સરેરાશ કરતાં વધુ હતી. 8 ક્ષેત્રોમાં નોકરીની વૃદ્ધિ 2.5% કરતા ઓછી હતી. 14 સેક્ટરની કંપનીઓમાં નોકરીઓ ઘટી છે. ટેલિકોમ, ઓટોમોબાઈલ અને આનુષંગિક ક્ષેત્રોમાં નોકરીઓની મહત્તમ સંખ્યામાં ઘટાડો થયો છે. કોવિડ પહેલા, 7.06 લાખ નોકરીઓ હતી, જે 34.13% ઘટીને માત્ર 4.65 લાખ થઈ ગઈ છે. વાર્ષિક ઘટાડો 8.35% હતો.

પ્રી-કોવિડ લેવલ સુધી પહોંચવામાં હજુ સમય છે

કોવિડ દરમિયાન કંપનીઓએ મોટાપાયે નોકરીઓ ઘટાડી હતી. કારણ કે તેમની પાસે કંપનીઓને બચાવવા માટે બીજો કોઈ વિકલ્પ નહોતો. જોકે કંપનીઓ હવે ભરતી કરી રહી છે. કોવિડ પહેલાના સ્તર સુધી પહોંચવામાં સમય લાગશે.

કોર્પોરેટમાં નવી નોકરીઓમાં 1 વર્ષમાં 20% ઘટાડો થયો

રિપોર્ટ અનુસાર દેશના કોર્પોરેટ સેક્ટરમાં 81.2 લાખ કર્મચારીઓ છે. એક વર્ષમાં માત્ર 3.9 લાખ નવી નોકરીઓનું સર્જન થયું. નિષ્ણાતોનું કહેવું છે કે મોટી વસતિને જોતા રોજગારની શોધમાં આ સંખ્યા ઘણી ઓછી છે. 2022માં 4.9 લાખને નોકરી મળી. આનો અર્થ એ થયો કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રોજગારીની તકોમાં 20%નો ઘટાડો થયો છે.